વેરાવળના પ્રભાસપાટણમાં જવેલર્સની દુકાનને, સુત્રાપાડાના વીરોદર ગામે રહેણાંક મકાનને નિશાન બનાવી ઘરફોડી કરાયેલ તેમજ તાલાલાના બોરવાવ ગામેથી બાઇક ચોરીની બનેલ ત્રણ ઘટનાને અંજામ આપનાર એક સગીર સહિત છ તસ્કરોને ત્રણેક લાખના મુદામાલ સાથે જીલ્લા ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમોએ ઝડપી લઇ ત્રણ અણઉકેલ ચોરીના ગુનાઅોનો ભેદ ઉકેલ્યો છે. આ અંગે માહિતી અાપતા એલસીબીના પીએસઆઇ કે.જે.ચૌહાણએ જણાવેલ કે, જીલ્લામાં થોડા દિવસોના અંતરોમાં પ્રભાસપાટણ, સુત્રાપાડા અને તાલાલામાં ચોરીની ઘટનાઅો બની હતી.
એલસીબીને ગઇકાલે મળેલ બાતમી તથા ટેકનીકલ સ્ટાફ રામદેવસિંહ, ભુપતસિંહ ચાવડાની માહિતીના આઘારે પ્રભાસપાટણની મંગલમ સોસાયટીમાં રહેતા સરદારજી જશપાલસિંગ લાલસીંગ ટાંક, ભરતસિંગ શેરસિંગ ભાટીયા, કાલીસિંગ શેરસિંગ ભાટીયા બંન્ને રહે.દુઘરેજ-સુરેન્દ્રનગરવાળાની અટક કરી આગવીઢબે પુછપરછ કરતા વીસેક દિવસે પૂર્વે પ્ર.પાટણની બજારમાં પ્રીન્સ જવેલર્સમાંથી ત્રણેયએ તેના મિત્ર સન્નીસીંગ દુઘાણી રહે.બરોડાવાળા સાથે મળી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. અટક કરાયેલ ત્રણેય શખ્સો પાસેથી રૂ.18,262 ની કિંમતના ચાંદીના દાગીના, બે મોબાઇલ તથા બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂ.2.28 લાખનો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગઇકાલે સ્ટાફ સુત્રાપાડા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહેલ ત્યારે શંકાસ્પદ જણાતા એક સગીર તથા સુરજ ઉર્ફે સુર્યા કાનજી વાઘેલા રહે.ગીરગઢડાવાળાની તપાસ કરતા બંન્ને પાસેથી મોબાઇલ તથા રોકડા રૂ.31 હજાર મળી આવેલ હતા.
