અમદાવાદ
ગુજરાત માલધારી ફાઉન્ડેશનના પ્રમુખ ધનાભાઇ દેસાઇના જણાવ્યા મુજબ અમદાવાદમાં શહેરીજનો ટ્રાફિકની સમસ્યા, રોડ પરના ખાડાઓની સમસ્યા, ગુનાહિત પ્રવૃતિની સમસ્યા, દારૂ-જુગારના અડ્ડાઓની સમસ્યા, પીવાનું પાણી પુરતું ન મળતું, ઔદ્યોગિક એકમોના પ્રદુષણ, ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટલાઇટો, રોડ પર થતા આડેધડ પાર્કિંગ, દબાણો, ગંદકીની સમસ્યા છે. દરેક મુખ્ય રોડ પર શાકમાર્કેટો ઉભી થઇ ગઇ છે. ભારે વાહનો ગેરકાયદે રીતે રોડ પર પાર્ક થઇ રહ્યા છે આ બધી સમસ્યાઓથી પણ શહેરીજનો અતિશય પરેશાન છે.આ તમામ સમસ્યાઓનો પણ શહેરીજનોના હિતમાં અઠવાડિયામાં ઉકેલ લાવી દેવાની પણ માંગણી કરાઇ છે. શહેરમાં ફક્ત ગાય એ જ એકમાત્ર સમસ્યા નથી અન્ય સમસ્યાઓ પણ સમસ્યા જ છે તે પણ અઠવાડિયામાં ઉકેલવી જાેઇએ. સ્માર્ટસિટીને લાયક શહેરી માળખું ઉભું કરવામાં સરકાર નિષ્ફળ રહી છે તેની નિષ્ફળતાઓ છુપાવવા માટે એકમાત્ર ગાયોના માથે દોષનો ટોપલો ઢોળીને સરકાર શહેરીજનોને મુખ્ય મુદ્દાથી ભટકાવી રહી છે.પૂર્વ અમદાવાદમાં ઇસનપુર ખાતે બુધવારે બપોરે માલધારી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરની બહાર માલધારી વસાહત સરકાર બનાવી આપે તો તમામ માલધારીઓ શહેરની બહાર જવા તૈયાર હોવા અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ શહેરની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર શહેરમાં ભેળવી દેવામાં આવ્યા છે તે વિસ્તારોના માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવામાં ન આવે ત્યાં સુધી ખોટી હેરાનગતિ કરવામાં ન આવે તેની આ બેઠક થકી સરકારમાં રજૂઆત કરવાનો ર્નિણય લેવાયો હતો. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર વિસ્તારના માલધારીઓને શહેરની બહાર માલાધારી વસાહત બનાવી આપવામાં આવે તો તમામ ઢોરને શહેરની બહાર લઇ જવા અંગેનો સર્વાનુમતે ઠરાવ આ બેઠકમાં માલધારી આગેવાનો દ્વારા પસાર કરાયો હતો. આ અંગે માલધારી એકતા સમિતીના પ્રમુખ નાગજીભાઇ દેસાઇના જણાવ્યા મુજબ માલધારીઓ પશુઓ સાથે શહેર છોડી દેવા તૈયાર છે પરંતુ સરકારે આ માટેની વ્યવસ્થા કરી આપવી જાેઇએે. તાજેતરમાં જે ગામડાઓને શહેરમાં ભેળવી દેવાયા છે તે ગામના માલધારીઓ માટે રોજીરોટીનો પ્રશ્ન સર્જાયો છે. સરકારે અગાઉ વચનો આપેલા છે કે શહેરની બહાર માલધારી વસાહતો બનાવી અપાશે. તે વચનો સરકારે આજ દિન સુધી પૂર્ણ કર્યા નથી. ગામડાઓમાં વાડાઓની ફાળવણી કરવામાં આવે, ગૌચરની જમીન કે જે મફતના ભાવે ઉદ્યોગપતિઓને આપી દેવાઇ છે તે ખાલી કરાવીને ગૌચરની જમીન દબાણમુક્ત કરવી જાેઇએ. રાજ્યમાં ગૌહત્યા અટકાવવા અંગેનો કાયદો પસાર કરાયો છે પરંતુ તે કાગળ પર જ રહી ગયો છે. હાલમાં ગાયોની ચોરીઓ થાય છે. બેફામપણે કતલો થાય છે સરકારે તે રોકવા પ્રમાણિક પણે પ્રયાસો કરવા જાેઇએ. શહેરી વિસ્તારોમાં ગાયોનો પ્રશ્ન ઉકેલવામાં સરકારને બિલકુલ રસ નથી. વાયદા પ્રમાણે શહેરની બહાર સરકાર માલધારી વસાહત બનાવતી નથી, ગૌચરોની જમીન દબાણમુક્ત કરતી નથી. અમદાવાદમાં ત્રણેક વર્ષ પહેલા ગાયોની ગણતરી હાથ ધરી હતી. ગાય દીઠ ૨૦૦ રૂપિયા મ્યુનિ.તંત્રે ઉઘરાવ્યા હતાં અને શહેરથી ૨૦ કિ.મી.દૂર માલધારી વસાહત બનાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું. આ તમામ બાબતો સરકાર ભુલી ગઇ છે. સરકારે પ્રમાણિકપણે કામ કરવું નથી અને માલધારીઓ, ગાયોનો પ્રશ્ન રાજકિય હેતુઓ સાધવા માટે ઉઠાવ્યે રાખવા છે. આ સરકારના બેવડા ધોરણ હોવાનું માલધારીઓનું માનવું છે.
