સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
છે શુભ પ્રસંગ આપને આંગણે, તો થોડું અનુદાન કરો, સેવાની સુવાસ સદાય મહેંકતી રહે આપનાં આંગણે.!!
સાવરકુંડલા શહેરનાં જયદીપ જયસુખભાઈ ચુડાસમા (લુહાર) લગ્ન પ્રસંગ નિમિત્તે આવેલી ચાંદલાની રકમ અહીં સાવરકુંડલા શહેરમાં આરોગ્ય સેવા ક્ષેત્રે નિ:શુલ્ક સેવાનો અલખ જગાવતાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે સપ્રેમ ભેટ (અનુદાન) તરીકે તેમના માતાપિતાની સલાહ અને સંસ્કાર તથા સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશનનાં સહમંત્રી શ્રી ભરતભાઈ જોષીનાં માર્ગદર્શન હેઠળ અર્પણ કરતાં સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયી અને સ્તુત્ય દિશાનિર્દેશન કરેલ છે. હા, વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિ:શુલ્ક) એક અનોખું આરોગ્યધામ છે. અહીં આવતા તમામ દર્દીઓને નાત જાત કે વર્ગ ભેદ કે વર્ણ ભેદના વાડાને કોઈ સ્થાન નથી. અહીં સારવારઅર્થે આવતાં દર્દીઓને તમામ મેડિકલ સારવાર દવા અન્ય જરુરી પરિક્ષણ વિનામૂલ્યે કરવામાં આવે છે અને દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી ખૂબ આદર અને પ્રેમથી મેડિકલ સારવાર આપવામાં આવે છે. એટલે આવા સેવાધામોમાં આપેલુ અનુદાન રાશિ પણ લેખે લાગે છે. આમ તો આવા સુખદ પ્રસંગો નિમિત્તે આવાં માનવતાના પ્રેરણાદાયી કાર્યો કરવા માટે સમગ્ર સાવરકુંડલાનાં શહેરીજનોમાં તેની સેવાભાવનાની ભારોભાર પ્રશંસા થઈ રહી છે.
આમ તો લક્ષ્મીજી ખૂબ ચંચળ છે અને તેનું મમત્વ પણ કોઈ નકારી શકે નહીં. એવી પરિસ્થિતિમાં આવી શુભ પ્રસંગે આવેલી ભેટ રકમ સત્કાર્યમાં વપરાય તો લક્ષ્મીજી પણ ખૂબ ખુશ થતા હશે.. આમ પણ સત્કાર્યમાં વપરાયેલી રકમનો બદલો પણ પ્રભુ અનેકગણો કરીને રીટર્ન કરતાં હોય છે.. સમાજ ઉત્થાન અને સમાજ ઉત્કર્ષ માટે આવી સેવાભાવના આજના યુગમાં ખૂબ નહિવત પ્રમાણમાં જોવા મળે છે. આવી સેવા ભાવના બદલ જયદીપભાઈ અને તેનાં સમગ્ર પરિવારને શત શત નમન.. સમાજે પણ આવા સત્કાર્યોમાથી પ્રેરણા મેળવી આવા આરોગ્ય સેવા ક્ષેત્રે ભગીરથ કાર્ય કરતી સંસ્થાઓને યત્કિંચિત આર્થિક સહાય કરે તો આવાં સેવા સ્થાનો પણ હમેશાં ધમધમતાં રહે..


