પાલનપુર
સુરતના લિંબાયતના ખાનપુરા ખાતે રહેતી ૧૫ વર્ષીય કિશોરીને શબનમ નામની પરિચિત મહિલા ગત તા. ૧૯મી ઓક્ટોબરના રોજ અમદાવાદ કેટરીંગના કામ અર્થે લઇ ગઇ હતી. અમદાવાદથી કેટરિંગના કામ માટે બનાસકાંઠાના ડીસા ખાતે કાલુસિંહ ઠાકોરના ઘરે ગયા હતા. કાળુસિંહે કેટરિંગના કામ માટે એક જ છોકરીની જરૂર છે-એમ કહી માહરૂહને સાથે રાખી ૩-૪ દિવસ પછી બોલાવવાનું કહી રેહાના અને શબાનાને પરત મોકલી આપી હતી. આ બંનેના ગયા બાદ કાળુસિંહે રાજસ્થાનના વતની એવા ઉત્તમસિંહ સાથે કિશોરીનો સોદો કરી નાખ્યો હતો. ૪ લાખમાં કિશોરીને વેચી દીધી હતી. વેચાણ થયા બાદ બળજબરીથી ફૂલહાર કરી ઉત્તમસિંહ અને કિશોરીનાં લગ્ન પણ કરાવી દેવાયા હતા. કિશોરીએ વિરોધ કર્યો તો તેણીને ધાકધમકી અપાઇ હતી.અહીં કાળુસિંહની પત્ની પાયલ અને ચંદ્રિકા નામની મહિલાએ સગીરા સાથે મારઝૂડ પણ કરી હતી. ત્યારબાદ ઉત્તમસિંહ સાગરીતો સાથે મળી પીડિતા કિશોરીને કારમાં વતન રાજસ્થાનના ભીમાર લઇ ગયો હતો. અહીં પોતાના ઘરે પાંચેક દિવસ કિશોરીને રાખી ધાકધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ઉત્તમસિંહ કિશોરીને ફલાઇટમાં બેસાડી આંધ્રપ્રદેશ લઇ ગયો હતો. જ્યાં તેને આંધ્રપ્રદેશના ગૌદાવરી જિલ્લામાં અન્નાવરમ ખાતે એક ભાડાના મકાનમાં એકાદ મહિનો રાખી વારંવાર યૌનશોષણ કર્યું હતું. કિશોરીને લેવા આંધ્રપ્રદેશ પહોંચેલી શબાનાને ઉત્તમસિંહે જણાવ્યું કે, ” યે લડકી કો ચાર લાખ મેં મૈંને કાળુસિંહ કે પાસ ખરીદ લીયા હૈ, લડકી કી મા કો બોલો કે, મેરે ચાર લાખ રૂપિયા દે. ઔર તુમ દોનો કો યહાં સે લે કે જાયે”. આ વાત સાંભળી શબાના ચોંકી ગઇ હતી. શબાનાએ આંધ્રપ્રદેશથી કિશોરીના પરિવારજનોને કોલ કરી સમગ્ર હકીક્ત જણાવી હતી. ત્યારબાદ કિશોરીના પરિવારજનો સ્થાનિક આગેવાન અને લિંબાયત પોલીસની મદદ લઇ આંધ્રપ્રદેશ ગયા હતા, જ્યાં અન્નાવરમ પોલીસને સાથે રાખી ઉત્તમસિંહના ઘરે દરોડા પડાયા હતા. આ રીતે કિશોરી અને શબાનાને મુક્ત કરાવાઇ હતી. આંધ્ર પોલીસે ઉત્તમસિંગને અટકાયતમાં લીધો હતો. આધ્રપ્રદેશથી પરત સુરત ફરેલી કિશોરીએ લિંબાયત પોલીસ સમક્ષ સમગ્ર હકીકત બયાન કરતા પ્રથમ ઝીરો નંબરથી અપહરણ, બળાત્કાર, મારપીટ, ધાકધમકી, માનવ તસ્કરી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો અને બાદમાં આ ફરિયાદ ડીસા રૂરલ પોલીસને ટ્રાન્સફર કરી દીધી હતી. આ બનાવ અંગે પોલીસ પાસે વિગતો અને નામ બાબતે વારંવાર સંપર્ક કરવા છતાં આ અતિ સંવેદનશીલ કેસ હોવું કહી કંઈપણ કહેવા ઈન્કાર કરી દીધો હતો.આ કેસની ફરિયાદ પણ નોંધાઈ છે. છતાં આ મુદ્દે પોલીસ મૌન સેવી લીધું છે.


