સુરત
સુરતના ડીપીએસ સ્કુલની ૮ વર્ષીય વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદ્યાર્થિની એક સપ્તાહથી સ્કુલે જતી ન હતી. આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે ડીપીએસ સ્કુલમાં શનિવારે ધનવન્તરી રથ મોકલી તપાસ કરાવી હતી અને ૨૮ સેમ્પલ લીધા હતા. જેમાંથી એક પણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. સોમવારે ફરી આરોગ્ય વિભાગ દ્વારા ડીપીએસમાં અન્ય વિદ્યાર્થીઓનો સેમ્પલ લઈ તપાસ કરવામાં આવશે. પાલિકાએ ટ્રાન્સપોર્ટેશન સેવામાં ઉપયોગમાં લેવાતી એસી બસોના ડોર તથા વિન્ડો ખુલ્લા રાખીને ઓપરેટ કરવાનું નક્કી કર્યું છે. એસી ચાલુ હોવાથી એર ટાઈટ દરવાજામાં સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતા હોવાનું માની પાલિકાએ વિવિધ રૂટ પર દોડતી બીઆરટીએસ અને ઈલેક્ટ્રિક બસોના દરવાજા ખુલ્લા રાખીવાનું શરૂ કર્યું છે. શહેરમાં બીઆરટીએસ તથા ઈલેક્ટ્રિક બસ સહિત કુલ ૧૭૦થી વધુ એસી બસ હાલ વિવિધ રૂટ પર ઓપરેશન હેઠળ છે.શહેરમાં શનિવારે ડીપીએસ સ્કૂલની ધો. ૩ની વિદ્યાર્થિની સહિત ૪ બાળકો મળી કુલ ૧૧ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ બાળકોમાંથી એક તો માત્ર ૨ વર્ષનો છે, બીજી બાળકી ૮ વર્ષની, ત્રીજી ૯ અને ચોથી ૧૩ વર્ષની કિશોરી છે. ચારેય બાળકોને તેમના પરિવારના સભ્યોમાંથી જ ચેપ લાગ્યાની હિસ્ટ્રી મળી છે. સૂર્યા કોમ્પલેક્ષના પરિવારના બે સભ્યો સંક્રમીત થયા બાદ શનિવારે પરિવારની ૩૭ વર્ષિય મહિલા પણ સંક્રમીત થઈ છે. જ્યારે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં જ રહેતા બે વૃદ્ધને હોસ્પિટલમાંથી ચેપ લાગ્યો છે. એક વૃદ્ધના સંબંધી હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમની હોસ્પિટલમાં અવરજવર હતી. તેમજ એક વૃદ્ધ પોતાની કીમો થેરાપીની સારવાર માટે હોસ્પિટલ જતા હતા અને ત્યાંથી તેમને ચેપ લાગ્યો હતો. તેવી જ રીતે વેસુના સેલીબ્રિટી ગ્રીનમાં અગાઉ પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે ૬૬ વર્ષીય પિતાને ચેપ લાગ્યો છે. શનિવારે નોંધાયેલા ૧૧ પોઝિટિવ કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૧૩૨ થઈ ગઈ છે. શનિવારે શહેર અને જિલ્લામાં એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર-જિલ્લાનો કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૭ થયો છે. શનિવારે શહેરમાંથી ૪ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા સાજા થનારા દર્દીઓની સંખ્યા ૧૪૧૯૫૯ થઈ છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા ૫૬ થઈ છે.
