રસી લેતી વખતે અને બાદ લેવી પડતી કાળજી અંગે લોકોને માહિતી અપાઈ.સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં કોરોનાની રસી અંગે રસીકરણ હાથધરવામાં આવનાર છે ત્યારે સરકારની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાઈવ રન કોવીડ-19 અંતર્ગત વેકસીનની જાણકારી અંગે કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય ટીમ દ્વારા વેકસીનની જાણકારી અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓને સહભાગી બનાવી વેકસીનેશન માટે આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશતાં સેનેટાઈઝેશન, ટેમ્પરેચર ચકાસણી, એસએમએસ પધ્ધતી, વેઈટીંગકક્ષ, વેક્સીનેશનકક્ષ, આરામકક્ષ અને ઓર્બ્જરવેશન સહિતના તબક્કાઓથી લોકોને અવગત કરી પ્રેક્ટીકલ માહિતી પુરી પાડવામાં આવી હતી.
જ્યારે તંત્રની આ કામગીરીથી લોકોમાં પણ આનંદન અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે ઝીંઝુવાડા પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવ, મેડીકલ ઓફીસર ભુત સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે લખતર સામુહિક કેન્દ્ર ખાતે પણ ડ્રાઈવ રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વઢવાણ પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ અધીક્ષક ડો.નયન સાપરા સહિત આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને આશાવર્કર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત જીલ્લાના સાયલા, ધ્રાંગધ્રા, મુળી, લીંબડી, ચોટીલા, થાન, ચુડા સહિતના તાલુકાઓમાં પણ ડ્રાઈવ રન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
