સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના નિયમન માટે કાયદો ઘડવાનો આદેશ આપવા અને નફરત ફેલાવતા ફેક ન્યૂઝને ફેલાતા અટકાવવા માટે સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબુક, વ્હોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરને જવાબદાર ઠેરવતી માંગ વાળી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ અરજી વકીલ વિનીત જિંદલ દ્વારા દાખલ કરવામાં આવી છે.
જેમાં કોર્ટને આગ્રહ કરવામાં આવ્યું છે કે, તે કેન્દ્ર સરકારને એવી વ્યવસ્થા બનાવવાનો આદેશ આપે. જેમાં નફરત ફેલાવતા ભાષણ અને ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા સાઈટ પરથી દૂર થાય. જેથી ભડકાઉ ભાષણ કે ફેક ન્યૂઝની નકારાત્મક અસરને ઓછી કરી શકાય.
અરજીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી નફરત ફેલાવતા ભડકાઉ ભાષણો અને ફેક ન્યૂઝના ફેલાવા માટે દાખલ દરેક કેસમાં નિષ્ણાંત તપાસ અધિકારી નિયુક્ત કરવાનો આદેશ આપવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે. કોર્ટમાં દાખલ અરજી મુજબ, ચેનલ શરૂ કરવા માટે એક રજિસ્ટર્ડ એકાઉન્ટ પૂરતું છે. જે ટ્વીટર, યૂ-ટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા સાઈટો પર વીડિયો અપલોડ કરવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડે છે. જેનો અર્થ છે કે, કોઈ ફણ ઈન્ટરનેટ મીડિયા પર કોઈ પણ વસ્તુ અપલોડ કરી શકે છે. તેમની પોસ્ટ માટે કોઈ પ્રતિબંધ કે અંકુશ નથી અને સરકાર તરફથી પણ કોઈ નિયમન નથી.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અલગ-અલગ દેશો દ્વારા લાગૂ કરવામાં આવેલા માપદંડોને પણ જોવા જરૂરી છે. જેથી આવા નિયમો ઘડી શકાય જે બોલવાની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદેહી વચ્ચે સંતુલન સાધી શકે.
અરજીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ભૂતકાળમાં ભારતે અનેક કોમી રમખાણો જોયા છે, પરંતુ આજે સોશિયલ મીડિયાના સમયમાં આ આક્રમક્તા માત્ર કોઈ ચોક્કસ વસ્તી કે વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર દેશમાં ફેલાય છે. અફવા, વ્યંગ અને નફરત એક સ્થાનિક સ્તરે કોમી અથડામણમાં આગ લગાવવાનું કામ કરે છે, પરંતુ આ આગ સોશિયલ મીડિયા થકી સમગ્ર દેશમાં ફેલાય છે. આજે એક સ્થાનિક સાંપ્રદાયિક સંઘર્ષને થોડી જ ક્ષણોમાં રાષ્ટ્રીય મુદ્દો બનાવી દેવામાં આવે છે.
આગળ દલીલમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોમી હિંસા ભડકાવવા માટે સોશિયલ મીડિયા એક હાનિકારક ભૂમિકા ભજવી રહ્યું છે અને હવે તેના દુરુપયોગને રોકવાનો સમય આવી ગયો છે. અરજીમાં એવો તર્ક પણ રજૂ કરવામાં આવ્યો છે કે, સોશિયલ નેટવર્કિંગ સાઈટો રાષ્ટ્રીય સુરક્ષ માટે જોખમી છે, કારણ કે તેનો ઉપયોગ નશીલા પદાર્થોની હેરાફેરી, મની લૉન્ડ્રિંગ, આતંકવાદ, અફવા ફેલાવવા અને હિંસા ભડકાવવા માટે કરવામાં આવી રહ્યો છે.