સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ ફરી વાર છલોછલ થઈ ગયો છે અને તેના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારે 22 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા તંત્ર તરફથી સુચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર-1 ડેમ વર્ષમાં ત્રીજી વાર ઓવરફલો થતા તેની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. જળાશયની હાલની સપાટી 107.89 મીટરની છે. ડેમમાં હાલ 4638 ક્યુસેકના પ્રવાહની આવક સામે 4638 ક્યુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. આથી ભાદર-1 ડેમ ના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા મસીતાળા ભંડારિયા ખંભાલીડા અને નવાગામ જેતપુર તાલુકાના મોણપર થી રસરાજ દેરડી જેતપુર નવાગઢ રબારીકા સરદાર પાંચપીપળા કેરાડી અને લુણાગરા જેતપુર તાલુકાના જ લુણાગરી અને વાડાસડા જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા તથા ધોરાજી તાલુકાના રેગડી ભક્તિ અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


