*હળવદ પંથકમાં ૨૫ (પચીસ)થી વધુ ગૌ-વંશ પર ઘાતક હુમલા કરનાર સામે કડક કાર્યવાહી કરવા અને ગૌ-વંશ પર થતા ઘાતક હુમલા રોકવા અંગે માલધારી સમાજના યુવા અગ્રણી જગદીશ ભરવાડે ઈ-મેઈલ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે અને અત્યાર સુધીમાં હળવદ પંથકમાં ૨૫ થી વધુ ગૌ-વંશ પર થયેલા ઘાતક હુમલાના આરોપીઓને ઝડપી તેમની સામે સખ્તમાં સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
*ગૌ-પ્રેમી અને માલધારી સમાજના યુવા અગ્રણી જગદીશ ભરવાડે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી હતી કે, આજે સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આપણા રાજ્યમાં પણ કોરોનાનો કહેર હજી યથાવત છે, આવી વૈશ્વિક મહામારી વચ્ચે પણ આજે રાજ્યમાં લગભગ દરરોજ ગૌવંશ પર ઘાતક હુમલા થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દરરોજ ગૌ-વંશ પર એસીડથી હુમલા, ગૌ-વંશના પગ તોડી પાડવા,આંખો ફોડી નાખવી, શારિરીક રીતે ગંભીર ઈજાગ્રસ્ત કરવી, ગૌ-વંશ ના શરીર પર છરી અથવા કુહાડી વડે ઘા ઝીંકવા જેવા ઘાતક હુમલા કરી ૨૫થી વધુ ગૌ-વંશને ઘાયલ કરવામાં આવ્યાં છે.
