જુનાગઢ
જૂનાગઢમાં રહેતા અને કેશોદ તાલુકાના એક મેડીકલ ઓફિસરના ક્રેડિટ કાર્ડમાંથી અજાણ્યા શખ્સ ૪૪ હજાર ટ્રાન્સફર કરી લીધાની સાયબર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
છેલ્લા થોડા સમયથી અજાણ્યા નંબરોમાંથી મેસેજ અને કોલ કરી ઠગ લોકો લોભામણી સ્કીમો આપી લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે. જેને દરરોજ અનેક લોકો ભોગ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો જૂનાગઢના આયુષ તબીબ સાથે બન્યો છે. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના રાયજીબાગ વિસ્તારમાં રહેતા અને કેશોદ ખાતે તાલુકા હેલ્થ આયુષ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અમીરાજભાઈ રાજેન્દ્રકુમાર બગથરીયા ગત તા.૨૩-૯-૨૦૨૧ ના નોકરી પર હતા ત્યારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે એસબીઆઇ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને ક્રેડિટ કાર્ડમાં કોઈ વધારાના ચાર્જ હોય તો રિફંડ થઈ જશે તેમ જણાવ્યું હતું.
જેથી અમીરાજભાઈએ હા પાડી હતી. બાદમાં આ અજાણ્યા ઠગે ચાલુ ફોને ક્રેડિટ કાર્ડના આગળ પાછળના નંબર અને ઓટીપી આવ્યા હતા તે મેળવી લીધા હતા. બાદમાં ૨૬-૯-૨૦૨૧ ના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.૪૫,૩૯૨ રૂપીયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે ડો.અમીરાજભાઇને જાણ થતાં તેમણે સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી


