કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બશીરહાટના સાંસદ નુસરત જહાંએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ નુસરત જહાંએ ભાજપને કોરોના વાયરસથી ખતરનાક ગણાવ્યો છે. આ સાથે સાથે તેમણે એમ પણ કહ્યુ છે કે ભાજપ હિન્દૂ-મુસ્લિમો વચ્ચે રમખાણ કરાવે છે. જો ભાજપ સત્તામાં આવી તો મુસ્લિમોની ઉંધી ગણતરી શરૂ થઇ જશે
નુસરત જહાંએ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં દેગંગામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ બધી વાતો કહી હતી. નુસરત જહાંએ કહ્યુ, ‘તમે લોકો પોતાની આંખ ખોલીને રાખો, ભાજપ જેવો ખતરનાક વાયરસ ફરી રહ્યો છે. આ પાર્ટી અને ધર્મ વચ્ચે ભેદભાવ અને માણસ-માણસ વચ્ચે રમખાણ કરાવે છે. જો ભાજપ સત્તામાં આવી તો મુસ્લિમોની ઉંધી ગણતરી શરૂ થઇ જશે.’
નુસરત જહાંના નિવેદન પર ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ ટીએમસી પર મુસ્લિમ તૃષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. અમિત માલવીયે ટ્વીટ કરતા કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં વેક્સીન પર સૌથી ખરાબ રાજકારણ થઇ રહ્યુ છે. પહેલા મમતા બેનરજી કેબિનેટના મંત્રી સિદ્ધુકુલા ચૌધરીએ વેક્સીન લઇને જઇ રહેલા ટ્રકને રોકાવી હતી. હવે ટીએમસી સાંસદ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તાર દેગંગામાં ચૂંટણી પ્રચાર કરતા ભાજપની તુલના કોરોના સાથે કરી રહ્યા છે પરંતુ પિશી ચુપ છે. કેમ? તૃષ્ટિકરણ?
મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેને લઇને તમામ પાર્ટીઓએ પ્રચાર શરૂ કર્યો છે. આ સાથે જ રાજ્યમાં એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે.
.
