(જીતેન્દ્ર રાઠોડે ઉદ્યોગ કમિશનર અને અધિક સચિવ પાસે તટસ્થ તપાસની માંગ કરી)
ધ્રાંગધ્રા :
વિકાસથી વંચિત છેવાડાનો માનવી આધુનિક જીવન સાથે સુમેળ સાધીને આર્થિક સધ્ધર બને સાથે રાજ્યના સુવર્ણ વિકાસ માટે જવાબદાર બનીને સહભાગી થઈ શકે તે માટે રાજ્ય સરકાર અનેક જનકલ્યાણકારી યોજનાઓ અને લાભો આપતી હોય છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તનતોડ મહેનત કરીને પેટિયું રડતા અગરિયાઓ ની સદ્ધરતા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બનીને યોજના પૂર્વક કામ કરતી આવી છે પણ આ ગરીબ, અભણ અગરિયાઓ નાં હકનાં પૈસા એમને મળે એ પહેલા જ વ્યુહપૂર્વકનો ગોટાળો આચરીને રાજ્ય સરકાર તેમજ અગરિયાઓ ને છેતરવામાં આવી રહ્યા હોવાની શંકા સમસ્ત અગરિયા સમુદાય નાં આગેવાન ભરતભાઈ રાઠોડે ઉપરોક્ત 5 ય જિલ્લાના કલેક્ટરને અનુલક્ષીને લેખિત જાણ કરીને આ બાબતે કૌભાંડ હોવાની રજુઆત કરેલી હતી. પણ જિલ્લા કલેકટર દ્વારા જે તે સંલગ્ન વિભાગને જ તપાસનું કામ સોંપતા ભીનું સંકેલાવાની બીક છે.
જેમાં તનતોડ મહેનત કરીને પરંપરાગત અગર પકવતા ગરીબ અભણ અગરિયાઓ નાં બદલે કાગળ ઉપર ખોટા અગરિયાઓ બનાવીને શ્રમ રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કચેરી અને અમુક લેભાગુ તત્વો ની મીલીભગત થી આયોજનપૂર્વકનું કૌભાંડ આચરવામાં આવે છે. આ સાથે રાજ્ય સરકારે અગરિયાઓ ને સોલાર પમ્પ આપ્યા તેમાં મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર આચરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સબસીડી બાબતે પણ મોટા ગોટાળો જો યોગ્ય તપાસ થાય તો સામે આવી શકે એમ છે એવી રજુઆત સાથે ભરત ભાઈ રાઠોડ નું સ્પષ્ટ કહેવું છે કે રાજ્ય સરકારે સાવ નજીવા ભાવે માત્ર અગરિયાઓ નાં ઉત્થાન માટે આ યોજના ફાળવેલ હતી પણ બજાર ભાવ માં કિંમત વધુ મળતી હોવાથી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હશે.
આ સમગ્ર મામલે હાલ ભરત રાઠોડ દ્વારા ઉદ્યોગ કમિશનર તેમજ અધિક સચિવ ગાંધીનગર ને આ વિશે લેખિત રજુઆત કરી આ ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડ બાબતે તટસ્થ તપાસ કરાવવામાં આવે એમ રજુઆત કરવામાં આવેલ છે.
રિપોર્ટ : હિતેશ રાજપરા
