અમદાવાદમાં આજે સાંજે 5 વાગ્યે એરપોર્ટ પર કોરોના વેક્સીન આવી જશે. 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સીન અભિયાન શરૂ થઇ રહ્યુ છે ત્યારે ગુજરાત સરકારે પણ વેક્સીન દરેક લોકો સુધી પહોચે તેની તૈયારી કરી લીધી છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર કોરોના વેક્સીન આવશે અને તેને ગ્રીનકોરીડોર કરીને ગાંધીનગર સ્ટોરેજ ખાતે લઇ જવામાં આવશે.અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ થઇ ગયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે, “ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે, તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં આપણા વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીએ તેમને અભિનંદન પણ આપ્યા હતા.
ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જેમાં 50 વર્ષથી વધુ વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.