હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૨૦-૧-૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ.
કોઇ આકૃત્તિઓ અથવા પુતળા દેખાડવા નહીં અને બૂમો પાડવી નહી તથા સૂત્રોચ્ચાર કરવા નહિ. સભા અને સરઘસ કાઢવા નહિ. આ સાથે છટાદાર ભાષણો આપવાની, ચાળા કરવાની તેમજ કોઇના ચિન્હો, નિશાની દેખાડવાની કે તેવા કૃત્યો કરવાની મનાઈ ફરમાવેલ છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર સભા સરઘસ કાઢવાની તેમજ તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવી હતી.
