અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઘારેશ્વર ગામે ભોળાભાઈ કુકડની જાેકમાં સિંહે હુમલો કર્યો હતો. જ્યાં કુલ ૮૦ ઘેટાને રાખવામાં આવ્યા હતા. અચાનક સિંહ આવી ચડતા ઘેટાએ દેકારો કર્યો હતો. સિંહ ૫૦ જેટલા ઘેટાનો શિકાર કરીને ચાલ્યો ગયો હતો. જ્યારે ૧૫ ઘેટાને ઈજા પહોંચી છે. પણ કેટલાક ઘેટા એવા હતા જે બીકના માર્યા ફફડીને મરી ગયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે માલધારી બાજુના એક મકાનમાં સૂતા હતા. માલિકે સિંહને ત્યાંથી ભગાડવાનો હિંમતભેર પ્રયાસ કર્યો હતો. ચારેય બાજું એક વાળ ઘેટા માટે બનાવેલી હતી. જેની અંદર સિંહ રાત્રીના સમયે ઘુસી જતા એકાએક અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને લઈને ગામના લોકો વન વિભાગ પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ રાજુલા રેન્જ ઈન્ચાર્જ સહિત મુખ્ય વન વિભાગની ટીમને થતા અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચીને પંચનામું સહિતની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત મૃતક ઘેટા બદલ અપાતી સરકારી મદદ માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘેટા માલધારી પરિવારને દૂધ અને ઊન આપતા હતા. એક સાથે આટલા મોટા પ્રમાણમાં શિકાર થતા માલધારીને આર્થિક રીતે ખોટ ખાવાનો વારો આવ્યો છે. એના પરિવારની ચિંતા એકાએક વધી ગઈ છે. આ વાવડ પૂર્વ સંસદીય સચીવ હીરા સોલંકીને મળતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હીરા સોલંકીએ માલધારી પરિવારને ઘટનાસ્થળે જ રૂ.૫૧૦૦૦ રોકડ આપી દિલાસો આપ્યો હતો. આ મામલે તેમણે નવા વનમંત્રી કિરિટસિંહ રાણાને ટેલિફોનિક રજૂઆત કરી હતી. ઝડપથી વળતર મળી રહે એ માટે માગ કરી હતી. પશુ માલિકે પણ કહ્યું કે, માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પાસે આવેલા ઘારેશ્વર ગામે માલધારીના ઘેટા પર સિંહ ત્રાટકતા પશુ માલિકને મોટું નુકસાન થયું છે. સિંહે રીતસરનો આતંક મચાવ્યો હતો. એક જાેકમાં રહેલા ૫૦થી વધારે ઘેટાંનો સિંહે શિકાર કરતા એનું મોત નીપજ્યું છે. જ્યારે ૧૫ જેટલા ઘેટાને મોટી ઈજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાને લઈને ગામના સ્થાનિકો વન વિભાગ સામે રોષ ઠાલવી રહ્યા છે. આ ચિત્ર જાેઈને માલધારી ચોધાર આસુંએ રડવા લાગ્યો છે.