રાજયના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ ઝડપથી આવે તે માટે જામજોધપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૧ શુક્રવારના રોજ જામજોધપુર તાલુકાના આંબરડી ભુપત ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જામજોધપુર ગામના આજુબાજુના ગામો જેવા કે આંબરડી ભૂપત,જામ આંબરડી, ભોજાબેડી, વિરપુર, ગઢકડા તથા બમથીયા આમ કુલ ૬ ગામના લોકોના વ્યકિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર સવારના ૯:૦૦ થી સાંજના ૦૫-૦૦ કલાક સુધી કરવામા આવશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રિમિલીયર, ડોમિસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ આધારકાર્ડ અને મતદારયાદીમાં નામ નોંધાવવાની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ તથા ઇ-ધરામાં નવી નોંધ દાખલ કરવાની અરજીઓ અને માં અન્નપૂર્ણા યોજના, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓની નોંધણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર, જન્મની નોંધણી ન થયેલ હોય તેવા વરિષ્ઠ નાગરિકોને ઉંમરના પ્રમાણપત્રો આપવાની તથા રી-સર્વેની વાંધા અરજીઓનો સ્વીકાર જેવી કામગીરી કરવામાં આવશે. ઉપરોકત ગામોના લોકોને આ સેવા સેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા મામલતદાર, જામજોધપુર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
