Gujarat

આનંદનગર પોલીસને તો તોડ કરવામાં આનંદ આવી ગયો

અમદાવાદ: માસ્ક નહીં પહેરનારાને દંડવાના નામે પોલીસને તોડ કરવાની મઝા પડી ગઇ છે. પોલીસને તોડ કરવા માટેનો વધુ એક મુદ્દો મળી ગયો હોવાથી પોલીસ ગેલમાં આવી ગઇ છે. ટાર્ગેટના નામે પોલીસ દ્વારા શહેરીજનોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જો શહેરીજનને દંડ ના ભરવો હોય તો પોલીસનું ખિસ્સું ભરવું પડે છે. જેના કારણે જ અવારનવાર પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યાં છે. તેની પાછળના કારણમાં તપાસ કર્યા વગર ઉચ્ચ અધિકારીઓ તેમના તાબાના કર્મચારીઓ દ્વારા પહેરાવવામાં આવતાં ચશ્માં પહેરીને આંખ આડા કાન કરી રહ્યા છે. પરિણામ સ્વરુપે એક પછી એક કિસ્સાંઓ બનતાં જાય છે. ગઇકાલે નવરંગપુરા પોલીસ દ્વારા મહિલાને લાફા મારવાના પ્રકરણ હજુ શમ્યો નથી. ત્યાં આજે ફરીવાર નવરંગપુરા પોલીસે નાગરિકને હેરાન કરતાં હોવાનો બીજો વીડીઓ વાયરલ થયો છે. માસ્કના નામે શહેરીજનોને હેરાન કરવાની જાણે કે પોલીસ વિભાગમાં હોડ લાગી હોય તેમ આજે આનંદનગર પોલીસ પણ રસ્તા પરથી પસાર થતાં નિર્દોષ વાહનચાલકો સામે આડેધડ કાર્યવાહી કરવાના નામે હેરાન પરેશાન કરતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

કોરોના મહામારીથી બચવા માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું તે દરેક નાગરિકની ફરજ છે. તેનું પાલન પણ મહત્તમ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. એકલ-દોકલ વ્યક્તિના કારણે પોલીસ તરફથી દરેક વ્યક્તિ સાથે બેહુદુ વર્તન કરવામાં આવી રહ્યું છે. માસ્કનો મુદ્દો જાણે કે પોલીસ માટે તો પૈસા કમાવવાનું એક સાધન બની ગયું તે રીતે પ્રજા સાથે બેફામ રીતે વર્તી રહી છે. કારણ જાણ્યા વગર જ પોલીસ તરફથી પ્રજા સાથે દાખવવામાં આવતી જડતાના કિસ્સાંઓ એક પછી એક બહાર આવવા લાગ્યા છે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવાની કામગીરી શરુઆતના ગાળામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી હાથ ધરવામાં આવતી હતી. તેમણે પણ પ્રારંભમાં કાયદાના નામે પ્રજાને આડેધડ દંડ ફટકારતાં હોવાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગયા હતા. છેવટે આ અંગે વેપારી એસોસીએશનોની ફરિયાદો છેક ઉપર સુધી પહોંચતા તેઓ હાલ શાંત થઇ ગયા છે. પરંતુ પોલીસે જાણે કે કાયદાનો અમલ કરાવવાના પગલાં લેવાના બદલે દંડવાની કામગીરી શરુ કરી દીધી હોય ત્યાં સુધી તો બરોબર છે. પરંતુ દંડવા કરતા પણ તોડ કરવામાં પડી ગઇ હોય તેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ તરફથી રજૂઆત કરવામાં આવે તો તેને દલીલ કેમ કરે છે તેમ કહીને કાયદાનો દંડો ઉગામીને તેના અવાજને દબાવી દેવાની કોશિષ કરવામાં આવે છે. છતાં પણ જો તે વ્યક્તિ પોતાની રજૂઆત ચાલુ રાખે તો તેની સામે ફરિયાદો કરીને તેને જેલના સળિયાં પાછળ ધકેલી દેવાની ધમકી આપતાં હોવાની ફરિયાદો પણ પ્રજામાંથી ઉઠવા પામી છે. જો સરકાર દ્રારા નિયંત્રણો લાદીને પગલાં ભરવામાં નહીં આવે તો પોલીસ બેફામ બની જશે. આજે પણ કારમાં એકલી જતી વ્યક્તિ કે પતિ-પત્ની જતાં હોય તો તેમને પણ દંડવામાં આવે છે. આમ પ્રજા નાહકની હેરાન પરેશાન થઇ ગઇ છે.

નવરંગપુરા પોલીસના બેહુદુ વર્તનના કારણે સમગ્ર પોલીસ તંત્ર પર માછલાં ધોવાઇ રહ્યાં છે. ત્યાં સુધી કે શરમથી માથું ઝુંકી જાય તેવી ઘટના છે. પરિણામ સ્વરુપે ગેરવતર્ણુક કરનારી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ ઘટના પરથી પાઠ શીખવાના બદલે આનંદનગર પોલીસ પણ બેફામ બની હોવાની ફરિયાદ આજે ઉઠવા પામી હતી. સાંજ પડતાં જ પોલીસ ટ્રાફિકનું નિરાકરણ કરીને ટ્રાફિકને નિયંત્રણ કરવાની કામગીરી કરવાની કે પછી ગુનેગારને પકડીને કેસોના ભેદ ઉકેલવાના બદલે પોલીસ પાસે હાલ માત્ર માસ્ક વગરના લોકોને જ પકડવાની કામગીરી રહી હોય તેમ જણાઇ રહ્યું છે.

સાંજ પડતાં જ આનંદનગર પોલીસ શિકારની શોધમાં હોય તેમ રસ્તા પર ઉતરી પડીને માસ્કના નામે પ્રજા પાસે તોડ કરવાની કામગીરી શરૂ કરી દે છે. તેમાંય વળી સેટેલાઇટ પ્રહલાદનગર વિસ્તારમાં કોર્પોરેટ ઓફીસો સંખ્યાબંધ છે. ત્યાંથી ફરજ પુરી કરીને દિવસભર કામ કરીને થાકીને ઘરે જતાં નાગરિકોને માસ્કના નામે આનંદનગર પોલીસ દ્રારા કરવામાં આવતાં વર્તનથી કંટાળી ગઇ છે. પોલીસ સાથે માથાકૂટ ટાળવા માટે પ્રજા પોલીસના તાબે થઇ જાય છે. તેનો લાભ પોલીસ ઉઠાવતી હોવાની બૂમરેગ મચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *