વડોદરા
ઓનલાઇન શિક્ષણના પગલે મોબાઇલ, લેપટોપ પર સ્ક્રીન ટાઇમ વધી ગયો હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓએ આંખો અને માથાના દુખાવાની સમસ્યા વધી ગઇ હોવાની ફરિયાદ કરી હતી. લોકડાઉનને પગલે યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો મિત્રતા અને સંબંધોમાં અંતર વધ્યું છે. તેમજ મોટાભાગના યુવાનોનો મોબાઇલ સ્ક્રીન ટાઇમ ૯૪ ટકા પર પહોંચી ગયો હોવાનું સોશિયલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થિનીએ કરેલા રિસર્ચમાં બહાર આવ્યું હતું. મ.સ.યુનિ.માં અભ્યાસ કરતાં યુવાન વિદ્યાર્થીઓ પર સોશિયલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થિની સાંઇ આકૃતીએ કોવિડ મહામારીના સમયગાળામાં શું અસરો થઇ તેના પર પ્રો.ભાવના મહેતાના ગાઇડન્સમાં ૧૦૧ વિદ્યાર્થીઓનો ડેટા સર્વે વિવિધ પ્રશ્નોતરીના માધ્યમથી કર્યો હતો. જેમાં વિવિધ તારણો બહાર આવ્યા હતા. ૬૫ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, રોગચાળાના સમયગાળામાં મિત્રતા અને સંબંધોમાં અંતરનો સામનો કરવો પડ્યો હતો. ૭૨ ટકા વિદ્યાર્થીઓનો સોશિયલ મીડિયા પર સમય વધારે પસાર કર્યો છે. વિદ્યાર્થીઓનો મોબાઇલ સ્ક્રીન ટાઇમ વધવાનું મુખ્ય કારણ ઓનલાઇન લેક્ચર હતા. આ ઉપરાંત પરીક્ષાની મૂંઝવણ શૈક્ષણિક અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓનું માનસીક સ્વાસ્થય પ્રભાવિત થયું હતું. કોવિડ સમયગાળાના ના પગલે વિદ્યાર્થીઓ કોલેજ જઇ શકતા ના હતા જેના કારણે તેમનું સામાજીક જીવન ખોરવાઇ ગયું અને કોલેજનું વાતાવરણ અનુભવી શકતા ના હોવાથી તેઓ મુશ્કેલી અનુભવતા હોવાનું તારણ આવ્યું હતું.
