દેશમાં કોરોનાના કહેર વચ્ચે દસ રાજ્યોના અનેક પક્ષીઓમાં એવિયન ઈન્ફ્લુએન્જા (AI)ની પુષ્ટિ થઈ છે. પશુપાલન મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, 21 જાન્યુઆરી 2021 સુધી છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાગડા, પ્રવાસી અને જંગલી પક્ષીઓમાં આ બિમારી થવાની પુષ્ટિ થઈ છે. મંત્રાલયનું કહેવું છે કે, છ રાજ્યો છત્તીસગઢ, હરિયાણા, કેરલ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં પોલ્ટ્રી બર્ડ્સમાં આ બિમારી હોવાનું સામે આવ્યું છે.
પંજાબના મોહાલીમાં અનેક પક્ષીઓના નમૂનામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા પછી બે પોલ્ટ્રી ફોર્મમાં લગભગ 53,000 પક્ષીઓ માર્યા ગયા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મોહાલીના ડેરા બસ્સી વિસ્તારના બેહરા ગામ સ્થિત બે પોલ્ટ્રી ફોર્મમાંથી લેવામાં આવેલા નમૂનાઓની તપાસરિપોર્ટ ભોપાલથી મળી હતી, જેમાં એચ5 એન8ની પુષ્ટિ થઈ છે.
પશુપાલન અને ડેરી વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ વીકે જંજુઆએ જણાવ્યું, “ગુરૂવારે સાંજે અથવા શુક્રવારે 53 હજાર પક્ષીઓને મારવાનું કામ શરૂ થઈ જશે.” કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ અનુસાર સંક્રમિત ફાર્મમાં એખ કિલોમીટરના દાયરામાં સ્થિત પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓને મારવા પડે છે.
અધિકારીઓ અનુસાર એક કિમી દાયરામાં આ બંને પોલ્ટ્રી ફાર્મ ઉપરાંત અન્ય કોઈ જ પોલ્ટ્રી ફોર્મ નથી. તેમને જણાવ્યું કે, તે માટે વિભાગે 25 ટીમોની રચના કરી છે. તેમને જણાવ્યું કે, આ પક્ષીઓને માર્યા પછી દફન કરી દેવામાં આવશે.


