Gujarat

ખેડા જિલ્લામાં કોની બનશે ગ્રામ પંચાયત આજે મતગણતરી

નડિયાદ
ખેડા જિલ્લામાં રવિવારે ૪૧૭ ગ્રામ પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ ૯ લાખ ૮૧ હજાર ૩૦૫ મતદારો પૈકી ૮૦૩૧૯૧ મતદારોએ મતદાન કર્યું હતું. તો આ સાથે જીલ્લામાં કુલ ૮૧.૮૫% મતદાન થયું હતું. મતદારોએ ઉત્સાહ અને જાેમ સાથે મતદાન કર્યું હતું. ૪૧૭ ગ્રામ પંચાયતોમાં સરપંચોની ૪૧૪ બેઠકો અને ૧૩૩૩ વોર્ડની બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં સરપંચ પદના ૧૪૬૫ અને વોર્ડના સભ્યો પદના ૫૩૧૧ ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં સીલ થયા હતા. જે બાદ તમામ મત પેટીઓને સીલ કરી જે તે તાલુકા મથકોએ નિયત કરેલ સ્ટ્રોંગ રૂમ પર લાવવામાં આવી હતી. આવતીકાલે સવારથી ૧૦ તાલુકાના મતગણતરીના સેન્ટર પર બેલેટ પેપરની ગણતરી કરવામાં આવનાર છે. આ વચ્ચે તમામ મતગણતરી સેન્ટર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. તો આ મતની માયાજાળમાં કોણ વિજેતા બનશે અને કોણ પરાજીત તે આવતીકાલે માલૂમ પડશે. નડિયાદમાં બાસુદીવાલા હાઇસ્કૂલ, માતરમાં એન. સી. પરીખ હાઇસ્કૂલ, ખેડામાં એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલ, મહેમદાવાદમાં શેઠ જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહુધામાં એમ. ડી. શાહ કોમર્સ કોલેજ, કઠલાલમાં શેઠ એમ. આર. હાઇસ્કૂલ, કપડવંજમાં શેઠ એમ. પી. મ્યુનિસિપલ હાઇસ્કૂલ, ઠાસરામાં ભવન્સ કોલેજ, ગળતેશ્વરમાં ધી મોર્ડન હાઈસ્કુલ સેવાલીયા અને વસોમાં એ. જે. હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી ગત રોજ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ ૮૧.૮૫% મતદાન થયું છે. જેમાં સૌથી વધુ કઠલાલ પંથકમાં ૮૬.૯%અને સૌથી ઓછું વસો પંથકમાં ૭૩.૫૨% મતદાન થયું છે. તો આ યોજાયેલી ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો મળી કુલ ૬૭૭૬ ઉમેદવારનો ભાવી મતદાન પેટીમાં સીલ થયા છે. ચોરે અને ચોકે એક જ પંચાત થઇ રહી છે કે, મંગળવારે કોનું મંગળ થશે? જે આવતીકાલે મતગણતરી દરમિયાન જ માલૂમ પડશે. જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્ર એ હાશકારો લીધો છે. આવતીકાલે જીલ્લાના ૧૦ તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *