ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં જિલ્લા-તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમોનું ટાઇટેબલ અગાઉથી જ બનાવી દેવામાં આવ્યું હતું. પરંતુ ગ્રામપંચાયતની ચૂંટણીને પગલે લાગેલી આચારસંહિતાથી હવે આ સેવાસેતુ કાર્યક્રમો બંધ રાખવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે ગાંધીનગર કોર્પોરેશન તથા દહેગામ, કલોલ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જે સેવાસેતુ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તે રાબેતા મુજબ યોજવામાં આવશે.રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની જાહેરાત કરવામાં આવતાં જ ગાંધીનગરમાં પણ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી હતી. જેનાં ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં યોજવામાં આવતાં સેવાસેતુ કાર્યક્રમો બંધ કરી દેવામાં આવ્યા હતા. જાે કે કોર્પોરેશન તેમજ નગરપાલિકા વિસ્તારના સેવા સેતુ કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રહેશે. સરકારની તમામ પ્રકારની યોજનાકીય માહિતી, દાખલા, પ્રમાણપત્રો સહિતની સેવા ઘરઆંગણે ઉભી થાય તે માટે સેવાસેતુ કાર્યક્રમ સમયાંતરે લગભગ તમામ ગામ-શહેરમાં યોજવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કલેક્ટર-મામલતદાર કચેરી કે જિલ્લા પંચાયત સુધી લાંબુ થવું ન પડે તે અન્વયે છેલ્લા એક મહિનાથી સેવાસેતુ કાર્યક્રમ તબક્કાવાર યોજવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે સાત-આઠ ગામોનો એક સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતો હતો અને આગામી દિવસોનું પણ ટાઇમટેબલ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી દેતા આચારસંહિતા લાગુ થઈ ગઇ હતી. જેના પગલે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ગ્રામપંચાયતોની ચૂંટણી છે ત્યાં પણ સેવાસેતુ કાર્યક્રમો પર બ્રેક લગાવી દેવામાં આવી હતી.
