Gujarat

ગાંધીનગરમાં એક સાથે 23 તુક્કલો ઉડાડતાં આકાશ ઝળહળી ઊઠયું

  • ઘાટલોડિયામાં ફુગ્ગાંઓ સાથે ધ્વજાપતાકાઓ ઉડાડી દેશદાઝના દર્શન કરાવ્યા

  • છેલ્લાં 15 વર્ષથી 15 કરતા વધુ મિણબત્તીથી તુક્કલો ઉઠતાં યુવાનો

ગાંધીનગર: ઉત્તરાયણના તહેવારમાં આ વખતે શનિ, રવિનો સંયોગ થતાં પતંગ રસિયાઓને ચાર દિવસ ઉત્તરાયણ મનાવવા મળશે. છેલ્લાં એક સપ્તાહથી જ યુવાનોમાં ઉત્તરાયણ શરૂ થઇ ગઇ હતી. આ વખતે ધાબા પર ડી.જે. વગાડવા પર તેમ જ બહારના લોકોને ભેગા કરવા સામે પ્રતિબંધ હોવાના કારણે પતંગ રસિયાઓની મઝા ઉડી ગઇ હતી. તેમાંય વળી ડી.જે.ના તાલે ઝૂમતાં યુવાનોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. બીજી તરફ ચાર દિવસની રજા મળી હોવાથી ઘણાં પરિવારો બહારગામ ફરવા જતાં રહ્યાં હતા. જેના કારણે આ વર્ષે ખાસ કરીને અમદાવાદના ધાબા સૂના પડી ગયા હતા

જયારે ગાંધીનગરના સેકટર 5/સીમાં પતંગ શોખીન યુવાનોએ ઉત્તરાયણની સાંજે એક જ મોટા પતંગ પર 23 પરંપરાગત દેશી મિણબત્તીવાળી તુક્કલો ઉડાડીને મઝા લૂટી હતી. તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના શાસ્ત્રીનગર ટેનામેન્ટમાં વર્ષોથી ઉત્તરાયણમાં પણ દેશદાઝ દાખવતાં વિજય ગુપ્તે પરિવારે ફુગ્ગાંઓ સાથે ધ્વજાપતાકાઓ લહેરાવી હતી. તેઓ દર વર્ષે ફુગ્ગાંઓ સાથે રાષ્ટ્રધ્વજ બાંધીને આકાશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ વર્ષે તેમણે અનોખો પ્રયોગ કર્યો હતો. આ નજારો જોવા આસપાસના ધાબાં પર ચડેલા રહીશો તેમ જ પતંગ રસિયાંઓએ ચીચયારીઓ પાડીને વધાવી લેવાની સાથોસાથ સમગ્ર વિસ્તારને ગજવી મૂકયો હતો.

ગાંધીનગરના સેકટર 5/સીમાં રહેતાં પતંગ રસિયાંઓ મેહુલ છત્રીવાલા, જયશીલ પટેલ તથા હિતેશ પ્રજાપતિ અને ધ્વનિ છત્રીવાલા દ્વારા ઉત્તરાયણના દિવસે સાંજે એક જ મોટા પતંગ ઉપર 23 મિણબત્તીવાળી તુક્કલો ઉડાડીને જૂની યાદો તાજી કરી દીધી હતી. એટલું જ નહીં પરંતુ એક જ પતંગ પર 23 તુક્કલના દ્દશ્યથી જાણે કે આકાશમાં સોનાના હારના નેકલેસ જેવું નયનરમ્ય દ્રશ્ય સર્જી દીધું હતું.

પતંગના આ શોખીનો લગભગ છેલ્લાં 15 વર્ષથી એક જ પતંગ પર 15 કરતાં વધુ દેશી તુક્કલો ઉડાડી રહ્યાં છે. આ વર્ષે પણ તેમણે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને પુરતી કાળજી સાથે તથા સલામત રીતે તુક્કલો ઉડાડી હતી. આ યુવાનો દ્વારા હંમેશા ચાઇનીઝ તુક્કલો કે ઇલેક્ટ્રીક લાઇટની તુક્કલો ન ઉડાડતા દેશી મિણબત્તીની તુક્કલો કે જે વધુ મહેનત તથા કાળજી માંગી લે છે.

ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ કેમ મૂકાયો

પહેલાં પતંગ સાથે તુક્કલો ઉડાડવાની જ પ્રથા હતી. પરંતુ તેમાં મહેનત કરવી પડે તેની સાથોસાથ પવન અને પતંગ સ્થિર હોવા પણ જરૂરી છે. તેને કાપવા માટે રિતસરની પડાપડી થતી હતી. આ તુક્કલમાં મિણબત્તી હોવાથી પવનમાં બુઝાઇ જાય અથવા તો પછી પતંગ રસિયાંઓ સમય જતાં પતંગ નીચે ઉતારી લે છે. જેના કારણે આગની ઘટનાઓ જવલ્લે જ બને છે. પરંતુ ચાઇનીઝ તુક્કલ તો હવામાં છોડયાં પછી તેના પર કોઇનો કાબૂ રહેતો નથી. તે નીચે પડવાના કારણે આગની ઘટનાઓ વધતી જતી હતી. જેથી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *