ગાંધીનગર
પાટનગર યોજના વિભાગ દ્વારા જે તે સમયે બાંધવામાં આવેલી આ દુકાનોમાં ચાર દિવાલ અને શટર સિવાયની કોઇ સુવિધા કરવામાં આવી ન હતી, પરંતુ વખત જતાં માઈક્રો શોપિંગની દુકાનોમાં લોકોએ પોત પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરી દેવામાં આવ્યા હોવાનું નકારી શકાય એમ નથી. તેમજ ઘણાએ તો શરૂઆતથી જ દુકાનોને ભાડે ચઢાવી અત્યાર સુધી ભાડું ખાવામાં આવી રહ્યું છે. ઘણા કિસ્સામાં મુળ લાભાર્થીઓ દ્વારા અન્ય વેપારીઓને દુકાન ભાડે આપી દીધા પછી તો પેટા ભાડેથી પણ દુકાનો આપી દેવામાં આવી હોવાની બુમો ઉઠી છે. હકિકતે તો પાટનગરમાં વ્યાપારી પ્રવૃતિ વિકસે અને તેના કારણે નગરવાસીઓને તેમના ઘરથી નજીકમાં રોજીંદી જરૃરતની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય તેના માટે માઇક્રે શોપિંગ ઉભા કરવામાં આવ્યા હતાં.ગાંધીનગરમાં રાહત દરે ફાળવવામાં આવેલી માઈક્રો શોપિંગની દુકાનોનાં લાભાર્થીઓ દુકાન ભાડે આપી દેતા પેટા ભાડૂઆત દ્વારા ધંધો કરવામાં આવતો હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી છે. જેથી હવે પાટનગર યોજના વિભાગ આકસ્મિક ચેકીંગ હાથ ધરી આવા કિસ્સા શોધી કાઢી કડક કાર્યવાહી હાથ ધરવા સજ્જ થઈ ગયું છે. ગાંધીનગરની રચના થયા પછી નાગરિકોને સેક્ટરમાં જ જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે માઈક્રો શોપિંગની દુકાનો રાહતદરે ડ્રો કરીને ફાળવવામાં આવી છે. પરંતુ માઈક્રો શોપિંગની દુકાનના લાભાર્થીઓ દ્રારા વિભાગની આંખમાં ધૂળ નાખીને બારોબાર દુકાનોને ભાડા પેટે ચઢાવી દેવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ઘણા કિસ્સામાં પેટા ભાડૂઆત દ્વારા માઈક્રો શોપિંગની દુકાનના મૂળભૂત માળખામાં ફેરફાર કરીને નિયમોનો સરેઆમ ભંગ કરાઈ રહ્યો છે. ઘણા લાંબા સમયના અંતરાલ પછી પાટનગર યોજના વિભાગે માઈક્રો શોપિંગની દુકાનો સામે નજર દોડાવી છે. જેનાં ભાગરૂપે ગેરકાયદે કિસ્સા શોધી કાઢવા માટે આકસ્મિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાની પણ શક્યતા છે.
