Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ

રાજ્યના ચૂંટણી પંચ તરફથી તા. ૨૨/૧૧/૨૦૨૧ નાં રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૯/૧૨/૨૦૨૧ નાં રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.

  આ ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્રારા ચૂંટણીના કામે વાહનોનો ઉપયોગ થનાર છે. આ વાહનોના ઉપયોગના કારણે જાહેર જનતાને કોઈ ભય, ત્રાસ કે નુકશાન ન પહોંચે, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામા વાહનોનો દુરોપયોગ અટકે, ચૂંટણીની આદર્શ આચારસંહિતાનુ પાલન થાય તથા ચૂંટણી પ્રચારમા વાહનના ઉપયોગ બાબતે આક્ષેપ-પ્રતિ આક્ષેપ દ્રારા જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સંજોગો ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વાહનોના ઉપયોગ માટે હુકમો જારી કરાયા છે.

        અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂએ ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો, ટેકેદારો, ઉમેદવારો દ્રારા થનાર વાહનોના ઉપયોગ માટે નીચે મુજબના નિયમો જાહેર કરી તેના અમલ માટે હુકમ કરવામાં આવેલ છે. ગુજરાત મોટર વાહન નિયમો-૧૯૮૯ના નિયમ-૧૨૫ની જોગવાઈ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર સમિતિએ નીચેની શરતોએ ચૂંટણી દરમ્યાન ટ્રાન્સપોર્ટ વાહનો પર જાહેર પ્રદર્શિત કરવા પરવાનગી આપેલ છે. આ વાહનમાં જાહેરાત એવી રીતે લગાડવાની રહેશે કે, ડ્રાઈવરને વાહન ચલાવતી વખતે આગળ-પાછળ તથા બંન્ને બાજુએ વિઝનમાં અવરોધ ઉભો ન થાય. માઈક કે ઓડીયો/વિડીયો/લાઉડ સ્પીકરની મંજુરી સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવવાની રહેશે. વગર મંજુરીએ તેનો ઉપયોગ કરી શકાશે નહી. સ્પીડ લીમીટ માટે સરકારશ્રીના જાહેરનામાનો અમલ ચુસ્તપણે કરવાનો રહેશે. લોકતાંત્રિક વ્યવસ્થામાં ચૂંટણી સમયે આવી મંજુરી પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળે નિયત કરેલ તારીખ સુધી અમલી રહેશે. તમામ મંજુરી માટે ટુવ્હીલર/થ્રી વ્હીલર ટ્રાન્સપોર્ટ વાહન માટે રૂા.૫૦૦ અને અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો માટે રૂા૧૦૦૦ ફી નું ધોરણ રાખવામાં આવેલ છે. ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઈવરને વાહન ચલાવવામાં અડચણ ન થાય તે રીતે ફીટીંગ કરવાનું રહેશે. આવી પરવાનગી માગનાર વાહન માલિકના વાહનના તમામા દસ્તાવેજો જેવા કે ટેક્ષ, પરમીટ ફીટનેશ વગેરે અમલી હોવી જોઈએ. મોટર વાહન અધિનિયમ તથા તેના હેઠળ ઘડેલ કેન્દ્રીય મોટર વાહન નિયમો તથા ગુજરાત મોટર વાહન નિયમોનું કડક પણે પાલન કરવાનું રહેશે. જો ચૂંટણી સબંધિત જાહેરાત પ્રદર્શિત કરવાની હશે તો ચૂંટણી અંગેના કાયદા તથા ચૂંટણીપંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાનો કડકપણે અમલ કરવાનો રહેશે. સુરૂચીનો ભંગ કરે કે અશ્લીલ જાહેરાત પ્રદર્શિત કરી શકાશે નહિ. વાહનના મૂળ માળખામા ફેરફાર થાય એ રીતે કે, વાહનના મૂળ માળખામા ફેરફાર કરીને આવી કોઈ જાહેરાત પ્રદર્શિત કરી શકાશે નહિ. મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ના માર્ગ સલામતીના ધોરણો-જોગવાઈનો ભંગ થવો જોઈએ નહિ.

       સબબ ચૂંટણી પ્રચારમા વાહનના ઉપયોગની પરવાનગી આપનાર સક્ષમ અધિકારીશ્રીએ આ શરતો તથા તે સિવાયની અન્ય શરતો સાથે વાહનની મંજુરી આપવાની રહેશે તથા સબંધકર્તાએ તે શરતોનું પાલન કરવાનું રહેશે.

       કોઈપણ રાજકીય પક્ષો કે બીન રાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેઓની સહમતીથી કોઈ વ્યક્તિ દ્રારા કે કોઈપણ ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ કરવામાં આવે તેવા તમામ સત્તા ધરાવતા અધિકૃત પાસે, આવા પ્રચારમાં વપરાતા વાહનો રજીસ્ટ્રર કરવાના રહેશે. અને રજીસ્ટ્રર કરાયેલ વાહન પરત્વેનો પરમીટ તેઓશ્રી પાસેથી મેળવીને ઓરીઝનલ પરમીટ વાહનની ઉપર સહેલાઈથી દેખાઈ આવે તે રીતે વીન્ડ સ્ક્રીન પર ચોટાડવાની રહેશે . આ પરમીટમાં વાહન ક્યા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવેલ છે તેની સ્પસ્ટ વિગતો પણ દર્શાવવાની રહેશે. પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટ્રર કરાવ્ય સિવાય કોઈપણ વાહનનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે શકાશે નહિ.

       આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય કોઈ રીતે ચાલતાં વાહનોને લાગુ પડશે. આવા વાહનોમાં મીની બસ, સ્ટેશન વેગન, ટેક્સી, ખાનગીકાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, ઓટો રીક્ષા, સ્કુટર વિ.નો સમાવેશ થાય છે પરંતુ આ નિયંત્રણો માત્ર આજ વાહનો પુરતા મર્યાદિત રહેશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તાત્કાલીક અસરથી ગ્રામ પંચાયતોની ચૂંટણીવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રક્રીયા પુર્ણ થાય ત્યા સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *