- AAP-AIMIM કોંગ્રેસના મતમાં ભાગલા
ટિકિટ માટેના નવા નિયમોથી ભાજપમાં પણ હલચલ તેજ
અમદાવાદ:
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાથી કાંટાની ટક્કર જોવા મળશે. જો કે તેનો સૌથી વધુ ફાયદો ભાજપને જ થઈ શકે છે.
કોંગ્રેસને નુક્સાન ભાજપને ફાયદો કેમ?
અમદાવાદના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ માટે માથાના દુ:ખાવા રૂપ બની હતી. આવા લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં કોંગ્રેસની ટિકિટ માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. હવે આપ અને AIMIM જેવા નાના પક્ષો પણ અહીં પોતાના ઉમેદવારો ઉતારવાના હોવાથી કોંગ્રેસની મતબેંકમાં મોટું ગાબડુ પડી શકે છે. આવા વિસ્તારોમાં લઘુમતિ મતોનું ધ્રુવીકરણ થઈ શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે તેમ છે.
અમદાવાદમાં સરખેજ, શાહપુર, દરિયાપુર, જમાલપુર, જૂહાપુરા, દાણીલીમડા, કાલુપુર જેવા લઘુમતી પ્રભાવિત વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાય છે. જો કે આ ચૂંટણીમાં AIMIM અને આપના કારણે કોંગ્રેસના મતોમાં ભાગલા પડી શકે છે. જેના કારણે ભાજપને ફાયદો થાય તેમ મનાઈ રહ્યું છે.
ભાજપને ચૂંટણીમાં હરાવવાના નામે મેદાનમાં ઉતરી રહેલી AIMIMને માત્ર શહેરના લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં જ ફાયદો મળી શકે છે. જેના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોની હાર નક્કી જ છે. જણાવી દઈએ કે, હાલ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં કુલ 20 મુસ્લિમ કોર્પોરેટર છે, જેની સંખ્યા હવે ઘટીને અડધી થઈ જશે.
ભાજપની નવી શરતોથી યુવા કોર્પોરેટરો ખુશખુશાલ, સિનિયરોમાં છવાયો સન્નાટો
બીજી તરફ ભાજપ દ્વારા આ વખતની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના અને 3 ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોનું પત્તુ કાપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ટિકિટ આપવા મામાલે પરિવારવાદ પણ નહીં ચલાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે યુવા કોર્પોરેટરો ખુશખુશાલ જણાઈ રહ્યા છે, જ્યારે સિનિયરોની છાવણીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, અત્યારથી સિનિયરોની નારાજગી સામે આવી રહી છે. મયુર દવે અને પૂર્વ મેયર અમિત શાહ જેવા નેતાઓ પોતાનો બળાપો ઠાલવી ચૂક્યાં છે.


