કોરોના મહામારીના (Corona Pandemic) કારણે રાજયની શાળાઓ 300થી વધુ દિવસ બંધ રહી હતી. આ શાળાઓમાં આજથી ધો.9 અને 11ના વર્ગો પણ રાબેતા મુજબ ચાલુ થઇ ગયા છે. અગાઉ 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12 માટે સ્કૂલો શરૂ થયા બાદ હવે ધોરણઃ9 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. ધોરણ-9 અને 11ના વર્ગો ચાલુ કરવા માટે પણ સરકારની ગાઈડલાઈનનું (Covid Guidelines) ચુસ્ત પાલન કરવા માટે સૂચના અપાઈ છે. જેમાં તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાશે. આટલું જ નહીં, સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે હવે ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે.
માર્ચ-2020ના પ્રારંભમાં જ કોરોનાના કેસે (Gujarat Corona Case) ગુજરાતમાં દેખા દીધી હતી. જેના પગલે પ્રથમ તબક્કામાં રાજ્યમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. જોકે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ-તેમ કોરોનાના કેસો (Corona Case In Gujarat) વધતા શાળાઓ બંધ રાખવાની મુદત લંબાવવામાં આવી હતી અને છેક દિવાળી વેકેશન સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. આમ, શાળાઓનું પ્રથમ સત્ર એક પણ દિવસ ચાલુ રહ્યા વગર જ પૂરું થઈ ગયું હતું. જે બાદ સરકારે દિવાળી વેકેશન બાદ 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસો વધતા સ્કૂલો શરૂ થઈ શકી ન હતી.
જો કે બાદમાં સરકાર દ્વારા 11 જાન્યુઆરી, 2021થી માત્ર ધોરણ-10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. જેના લગભગ 20 દિવસ બાદ આજથી રાજ્યની શાળામાં ધોરણ-9 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈને સ્કૂલો દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ અગાઉ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું (Covid Guidelines) પાલન કરવાનું રહેશે. જેમાં સ્કૂલમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના કર્મચારીઓની ટેમ્પરેચર ગનથી ચકાસણી કરવામાં આવશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓ વચ્ચે હવે વર્ગમાં યોગ્ય અંતર જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવા માટે જણાવાયું છે. અત્યારસુધી માત્ર ધોરણ-10 અને 12ના જ વિદ્યાર્થીઓ આવતા હતા, પરંતુ હવે ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ પણ સ્કૂલે આવનાર હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે શાળાઓમાં વર્ગ ખંડ નાનો હોય તે સ્થિતિમાં લાઇબ્રેરી, લેબોરેટરી જેવા મોટા હોલનો વર્ગખંડ તરીકે ઉપયોગ કરવાનો રહેશે.
સ્કૂલોની સાથે ટ્યુશન ક્લાસીસ પણ શરૂ થશે
રાજ્ય સરકાર દ્વારા આજથી ધોરણ-9 અને 11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે, જેના પગલે સ્કૂલોએ તે અંગેની પુરતી તૈયારી કરી લીધી છે. જોકે, હવે સ્કૂલની સાથે આજથી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર ધોરણ-9થી 12ના જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાશે. ક્લાસીસ સંચાલકો દ્વારા રવિવારે લાંબા સમયથી બંધ ક્લાસીસ ખોલી સેનિટાઈઝેશન સહિતની કામગીરી કરી વિદ્યાર્થીઓને આવકારવા માટેની તૈયારીઓ કરી હતી.