Gujarat

ગુજરાતમાં મુસાફરો દ્વારા એસ.ટી. બસનો વધુ ઉપયોગ થતા રોજની સરેરાશ ૧.૩૧ કરોડ આવક

અમદાવાદ
ગુજરાત એસટી નિગમ માટે આ દિવાશી શુકનવંતી સાબિત થઈ છે. એસટી વિભાગને દિવાળીના તહેવારમાં સૌથી વધુ કમાણી થઈ છે. નિગમના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત ૨૫ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર સુધીના ૨૧ દિવસમાં સમગ્ર ગુજરાતમાં કુલ ૧૩.૯૬ લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી છે. જેથી નિગમને ૨૭.૬૩ કરોડની આવક થઈ છે. આ આવકને ધ્યાને લેતાં ૨૧ દિવસની દૈનિક સરેરાશ આવક ૧.૩૧ કરોડથી વધુ થવા પામી છે. આઠમી નવેમ્બરના રોજ ગુજરાત એસટીએ સમગ્ર દેશની સ્ટેટ ટ્રાન્સપોર્ટ સેવાઓમાં રેકોર્ડ સર્જ્‌યો હતો. એક જ દિવસમાં ૯૪ હજાર ૫૪૦ લોકોએ એસટી બસમાં મુસાફરી કરતાં નિગમને ૧.૮૦ કરોડની આવક થઈ હતી. જે આખા દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે હોવાનું નિગમના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખાસ કરીને દિવાળીના પાંચ દિવસ બાદના દિવસોમાં એસટીમાં મુસાફરી કરવા માટે સમગ્ર રાજ્યમાંથી મુસાફરોનો સૌથી વધુ ઘસારો રહ્યો હતો. ખાનગી બસોના સંચાલકોએ પેટ્રોલ ડિઝલના ભાવની આડમાં બસના ભાડામાં મોટો વધારો કરી દીધો છે. આ ઉપરાંત દિવાળીના તહેવારમાં પણ સૌથી વધુ ભાડુ વસૂલ્યું હતું. સામાન્ય રીતે ૩૦૦થી ૪૦૦ કિ.મીના રૂટની ખાનગી બસોની ટિકીટની કિંમત ૪૫૦ રૂપિયા સુધીની હતી. જે દિવાળી દરમિયાન વધારીને ૯૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધી કરી દેવામાં આવી હતી. બીજી તરઉ ગુજરાત એસટી નિગમની બસોમાં આટલા જ અંતરની ટીકિટ ૧૭૫થી ૨૦૦ રૂપિયા સુધીની હતી. મંદી અને મોઘવારીનો માર સહન કરનાર લોકોએ ખાનગી બસની લકઝરી સુવિધા જતી કરીને એસટીમાં મુસાફરી કરવાનું પસંદ કર્યુંકોરોનાના કેસો ઓછા થતાં સરકારે વધુ છુટછાટો આપતાં હવે ધંધા રોજગાર અને પ્રવાસન સ્થળો પણ ખુલી ગયાં છે. લોકો કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા હોય તેવી સ્થિતિમાંથી બહાર નીકળીને હરવા ફરવાની મોજમાં આવી ગયાં છે. ત્યારે ખાનગી બસોમાં ભાવ વધારાને લઈને લોકોમાં રાજ્યની એસટી બસો વધુ ફેવરિટ બની છે. છેલ્લા ૨૧ દિવસમાં એસટી બસોમાં ૧૩.૯૬ લાખ લોકોએ મુસાફરી કરી છે. જેમાં રોજની સરેરાશ ૧.૩૧ કરોડની આવક એસટી નિગમને થઈ છે. ગત વર્ષે કોરોનાના ડરને કારણે લોકોએ બીનજરૂરી મુસાફરી કરવાનું ટાળ્યું હતું. પરંતુ આ વખતે લોકો મનમુકીને બહાર ફરવા નીકળી પડ્યાં છે. બીજી તરફ ખાનગી બસોને પણ ટક્કર મારે તેવા એસટી વિભાગના આયોજનોમાં ઓનલાઈન બુકિંગથી માંડીને લાંબા અંતરની સારી બસો શરૂ કરી હોવાથી હવે લોકો ૩૦૦ થી ૪૦૦ કિ.મી સુધીની મુસાફરી એસટી બસમાં કરતાં અચકાતા નથી.

st-bus-gujarat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *