જામનગર સહિત હાલારમાં ઉતર ભારતની હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગત સોમવારથી હેમાળાએ આકરો મિજાજ દર્શાવતા મહદઅંશે તિવ્ર ઠંડીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જામનગરમાં શનિવારે સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાન વધુ દોઢ ડીગ્રી નીચે ગગડીને ૭.૫ ડીગ્રીએ સ્થિર થયુ હતું. જેથી ચાલુ શિયાળાની હાલ સુધીની સૌથી વધુ ઠંડીનો અહેસાસ જનજીવને કર્યો હતો.
મહતમ તાપમાન પણ ૨૫ ડીગ્રીથી નીચે સરકતા બપોરના એકાદ-બે કલાકના હુંફાળા સમયને બાદ કરતા વાતાવરણમાં ટાઢોડુ રહયુ હતું. જામનગરમાં ખાસકરી રાત્રીના પગરવ સાથે ઠંડીના પ્રકોપના કારણે મોટાભાગના સતત ધમધમતા માર્ગો પર આવાગમન નહિવત જોવા મળ્યુ હતું. રાત્રે તો જાણે સ્વયંભુ સંચારબંધી હોય તેમ માર્ગો સુમસામ બન્યા હતાં.
