નવા વર્ષમાં કરચોરી પકડવા માટે રાજકોટ ઈન્કમટેક્સે શ્રીગણેશ કર્યા છે. શુક્રવારે જામનગરમાં ચનિયારા ગ્રૂપ પર રાજકોટ ઈન્કમટેક્સ ઈન્વેસ્ટિગેશન વીંગે દરોડા પાડયા હતા. સવારે ૧૧.૦૦ કલાકે શરૂ થયેલી તપાસ આખી રાત ચાલુ રહી હતી. ચનિયારા ગ્રુપ કન્સટ્રક્શન સાઈટ અને બ્રાસપાર્ટના એકમ ધરાવે છે. પેઢી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખોટા બિલ બનાવીને ટેક્સ ચોરી કરતી હોવાનું આવકવેરા વિભાગના ધ્યાને આવતા દરોડા પાડવામાં આવ્યા હતા. કુલ ૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. નવા વર્ષે પાડેલા ઓપરેશનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા. ગ્રૂપના માલિક સંદીપભાઈ ચનિયારા અને તેની અન્ય પેઢી પર આઈટીના અધિકારીઓ તપાસ માટે પહોંચી ગયા હતા. દસ્તાવેજ, સાહિત્યની ચકાસણીમાં ખોટા બિલ સામે આવ્યા હતા.
આ પ્રકરણમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી પકડાય તેવું અનુમાન છે. પરંતુ કરચોરીનો ચોક્કસ આંક તપાસ પૂરી થયા બાદ જ ખબર પડશે. ખોટા બિલ બનાવીને ટેક્સ ચોરી થતી હોય જીએસટી ચોરી થતી હોવાની શંકા છે. વધુમાં સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે માલિક એસીબી વિભાગમાં ફરજ બજાવતા હતા. દસ્તાવેજ અને સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે જે ખાસ કંટ્રોલ રૂમમાં લવાશે અને તેની તપાસ કરાશે. સાહિત્યની ચકાસણીમાં અંદાજિત ૧૫ દિવસથી વધુ સમય નીકળી જાય તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું છે. ગ્રૂપના માલિકના પટેલ કોલોનીમાં આવેલા રહેણાક સ્થળે પણ તપાસ કરાઈ હતી. કોરોનાની મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી આવકવેરા વિભાગે કરચોરો સામે કોઈ કાર્યવાહી કરી નહોતી પરંતુ હવે દરેક ઉદ્યોગ ધંધા રાબેતા મુજબની પરિસ્થિતિમાં આવી રહ્યા છે ત્યારે હવે કરચોરી પકડવા માટે આવકવેરા વિભાગે કવાયત હાથ ધરી છે.
