જામનગર
જામનગર શહેરભરમાં ચકચાર જગાવનાર બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી-૪ માં રહેતા અને જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાની ૧૭ વર્ષની પુત્રી પ્રતીક્ષાબાએ બુધવારે સવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો, આથી તેને તાકીદે જી.જી.હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવની જાણ થતાં સિટી બી પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તરુણી ધો.૧૨ કોસર્સમાં અભ્યાસ કરતી હોઈ, પરીક્ષામાં નાપાસ થઇ હતી. આથી પિતાએ પરીક્ષામાં કેમ નાપાસ થઇ એમ કહેતાં લાગી આવતાં આપઘાત કરી લીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પરીક્ષામાં નાપાસ થતાં રાજકીય આગેવાનની પુત્રીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં શહેરભરમાં અરેરાટી પ્રસરી છે.જામનગરમાં ધો.૧૨ કોમર્સમાં નાપાસ થતાં શહેર ભાજપ મહામંત્રીની પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી સાથે ભારે ચકચાર જાગી છે. પિતાએ કેમ નાપાસ થઇ એમ કહેતાં લાગી આવતાં પુત્રીએ આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. બનાવની જાણ થતાં ભાજપના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા.


