જૂનાગઢ.
ડિસેમ્બર ૨૦૨૧માં વરૂના જન્મને લઈને રેકોર્ડ સ્થપાયો છે. અગાઉ ૨૦૧૯માં ૧૯ બચ્ચાનો જન્મ થયો હતો, જ્યારે ગત વર્ષે ૨૦૨૦માં ૭ બચ્ચાંનો જન્મ થયો હતો. પરંતુ આ વર્ષે ૨૦૨૧માં નવેમ્બર સુધીમાં ૫ બચ્ચા અને ડિસેમ્બર ૨૦૨૧ના એક જ માસમાં ૧૬ બચ્ચાઓનો જન્મ થતા ૨૦૨૧ના વર્ષમાં વરૂના જન્મની સંખ્યા ૨૧ થઈ ગઈ છે. ઇન્ડીયન ગ્રે વુલ્ફ વરૂને બચાવવા ચાલી રહેલા બ્રિડીંગ સેન્ટરમાં ગઈકાલે અનોખી ઘટના સામે આવી હતી. જેમાં વરૂ માતા પ્રજ્ઞા અને તેની દીકરી માદા વરૂ એક સાથે પ્રેગ્નન્ટ થતા બંન્નેએ એકસાથે ૧૦ બચ્ચાંને જન્મ આપ્યો છે. જેમાં માતા પ્રજ્ઞાએ એકસાથે ૬ બચ્ચા અને તેની દીકરી માદા વરૂએ ૪ બચ્ચાંને જન્મ આપ્યો છે. હાલ ૧૦ બચ્ચા ૨૪ કલાક માતાની અને સ્ટાફની દેખરેખ હેઠળ તંદુરસ્ત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક અનોખી ઘટના અને એક નવી જનરેશન શરૂ થઈ છે. માતા વરૂ પ્રજ્ઞાએ આ પહેલા પાંચ વરૂને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે પાંચ બચ્ચા પૈકીની એક માદા વરૂએ પણ તેની માતા સાથે બચ્ચાને જન્મ આપતા એક જ પરિવારની જનરેશન ચાલુ થઈ હતી. નોંધનીય છે કે સને. ૨૦૧૪-૧૫ના વર્ષથી સક્કરબાગ ઝૂમાં વરૂ માટે બ્રિડીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.દુનિયામાં વરૂ પ્રાણીની વસ્તી ઘટી રહી છે. ત્યારે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂલોજિકલ ગાર્ડનમાં ઇન્ડીયન ગ્રે વુલ્ફ એટલે કે વરૂની પ્રજાતિને બચાવવા માટેનું બ્રિડીંગ સેન્ટર ચાલી રહ્યું છે. ગઈકાલે રવિવારે અહીં વરૂ માતા અને તેની દીકરીએ એક જ દિવસમાં ૧૦ બચ્ચાઓને જન્મ આપતા વરૂની સંખ્યા ૬૦ પર પહોંચી ગઈ હતી.