પેટા
જેતપુર ડાઇંગ એસોશીએશનના પાપે પ્રદૂષણ માફિયા દિવાળી પછી ફરી મેદાને
પેટા
નેશનલ હાઇવે ઓથોરીટી પણ નાળુ ખોલાવવા નિંદ્રાધીન બની જુએ છે તમાશો
જેતપુર, તા.24 (હરેશ ભાલિયા દ્વારા)
જેતપુર શહેરમાં દિવાળી બાદ ફરી પ્રદૂષણ માફિયા જાગ્યા છે. દેશ-વિદેશમાં પ્રખ્યાત જેતપુરના સાડી ઉધોગને છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણનું ગ્રહણ લાગી ગયું છે. હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટે અનેક વખત પ્રદૂષણની નિવારવા માટેની તાકીદ કરી હોવા છતાં જેતપુરના પેધી ગયેલા ઉદ્યોગપતિઓ કોર્ટની તમામ માર્ગદર્શિકાનું સરેઆમ ઉલ્લંઘન કરીને પોતપોતાના સાડી કારખાના ભયંકર પ્રદૂષણયુક્ત પાણીને મન ફાવે તેવી જગ્યાએ છોડી રહ્યા છે.
હાલના દિવસોમાં પ્રદૂષણ બાબતે બહાર આવેલી ચોંકાવનારી વિગતો એવી છે કે જેતપુર તાલુકાના રબારીકા ગામ જવા માટે જેતપુર ભાદર સામા કાંઠા વિસ્તારની સામે આવેલા નેશનલ હાઈવે રોડ પર બે બેઠા પુલ બનાવાયા છે એકમાંથી વાહન અને રાહદારી આવન થઈ રહી છે તો બીજા પુલમાંથી વાહનોની જાવક થતી હોય છે. પરંતુ આ બેઠા પુલ નજીકના અમુક સાડી કારખાનેદારોએ પોતાના સાડી કારખાનાના ભયંકર કેમિકલ સાથેના પ્રદૂષણયુક્ત પાણીનો છોડવાનું શરૂ કરતા એક બેઠો પુલ સતત પ્રદૂષણયુક્ત પાણીથી ભરાયેલો રહે છે.
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશીએશનના સત્તાધીશો આ બધું જાણતા હોવા છતાં આડા કાન કરે છે . કારણકે આવું પ્રદૂષણ ફેલાવનાર કોઈ નાના કારખાનેદારો નહીં પણ મગરમચ્છ સમાન કારખાનેદારો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે . સૌથી આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ બનાવેલા આ બેઠાપુલમાંથી એક પુલ કારખાનેદારોએ પ્રદૂષણયુક્ત પાણીના ભરાવાના લીધે બંધ કરી દેતા વાહનચાલકોની અવર-જવર બંધ થઈ ગઈ છે. ખરેખર પુલ બંધ કરવાનો ક્યારેય પણ પ્રયાસ થાય તો લાગતા-વળગતા નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશોએ આ વાતમાં કસૂરવાર લોકો સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઇએ.
તેને બદલે નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો પણ આ બાબતે મૂક,બધિર અને સુરદાસની ભૂમિકા ભજવી રહ્યા છે . પરિણામે પ્રદૂષણયુક્ત પાણીથી ભરાયેલો બેઠો પુલ બંધ હોવાનું તસવીરોમાં જોવા મળે છે . જાણકારો કહે છે કે પ્રદૂષણ ફેલાવતા માફિયાઓએ નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશોને મસમોટા આર્થિક નૈવેધ ધરીને તેઓની બોલતી બંધ કરી દીધી છે . એટલા માટે જ નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો આ બંધ કરાયેલા પુલને ખોલવા માટે કોઈપણ પ્રકારનો પ્રયાસ કરતા નથી . જાણકારો એવું પણ કહ્યું છે કે રબારીકા તરફ જવાના અને બંધ કરાયેલા બેઠા પુલમાં પ્રદુષણયુક્ત પાણી ભરાઈ રહેતું હોવાનું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશીએશન સારી રીતે જાણે છે.
સત્તાવાળાઓ પણ આંખ મિચામણા કરે છે જેને લીધે રબારીકા રોડનો આ બેઠો પુલ હાલ બંધ થઈ ગયો છે . પુલની આજુબાજુ કેમિકલયુક્ત ગંદા પાણી ભરાયેલા રહે છે . આ વિસ્તારના જાણકાર લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે સાડી કારખાનામાંથી નીકળતા ગંદા પાણી આ પુલ નીચેથી રબારી રોડ સુધી પહોંચીને પછી નજીકની ભાદર નદી સુધી પહોંચે છે અને આવા પ્રદૂષણયુક્ત પાણીથી આખી ભાદર નદી પણ પ્રદૂષિત બને છે. છતાં ડાઇંગ એસોશીએશનના કાર્યવાહકોના પેટનું પાણી હલતું નથી તે જેતપુર વાસીઓ માટે કમનશીબી ગણવી રહી.
બોક્સ :
પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર તમાશો જુએ છે
જેતપુર : જેતપુરના રબારીકા રોડ તરફ જવા માટે બેઠો પુલ ઘણા દિવસથી પાણી પ્રદૂષણને લીધે બંધ કરી દેવાયો હોવાનું લાગતા વળગતા પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ જાણે છે. પરંતુ ડાઇંગ એસોસિએશનના સત્તાવાળાઓએ પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાધિશોને જાણે ખરીદી લીધા હોય તેમ આ સરકારી તંત્રના સત્તાવાળાઓ કોઈ દિવસ શિક્ષાત્મક કામગીરી કરતા નથી.
બોક્સ:
જેતપુર: નેશનલ હાઇવે ઓથોરિટી સાથે ડાઇંગ એસોસિઅશનનું ગજબ નું સેટિંગ ?
જેતપુર: જેતપુર -રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ રબારીકા રોડ તરફ જવાના બેઠા પુલને માત્ર ને માત્ર પ્રદૂષણયુક્ત પાણીથી ભરી રાખીને બંધ કરી દેવામાં આવ્યું તે બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ના સત્તાવાળાઓ સારી રીતે વાકેફ છે. છતાં આ આ સરકારી તંત્રના સત્તાવાળાઓએ બેઠુ નાળુ બંધ કરનાર કસૂરવાર ઉદ્યોગપતિઓને કોઈ દિવસ ટપાર્યા નથી . જાણકારો એવું કહે છે કે જેતપુરના ખમતીધર ઉદ્યોગપતિઓએ નેશનલ હાઇવે ઓથોરિટીનું મોઢું પણ નાણાકીય બંધ કરી દીધું છે એટલા માટે જ આ બંધ બેઠા પુલને કોઈ ખોલાવી શકતું નથી.
બોક્સ
જેતપુરના સાડી ઉધોગનું પતન કરવામાં ઉદ્યોગપતિઓનો જ સિંહફાળો ?!
જેતપુરના સાડી ઉધોગને પોતાનું પ્રદૂષણયુક્ત પાણી યોગ્ય જગ્યાએ નિકાલ કરીને પ્રદૂષણ થતું રોકવા માટે હાઇકોર્ટ એમ તેમજ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે છતાં જેતપુર ડાઇંગ એસોશીએશનના સભ્ય એવા કારખાનેદારો પોતપોતાના સાડી કારખાનાના પ્રદૂષણને ફેલાવી રહ્યા છે. જેવી રીતે ખનીજ ચોરો ખનીજ ચોરી કરીને માફિયા બની રહ્યા છે તેવી રીતે જેતપુર શહેરમાં ભયંકર પ્રદૂષણ ફેલાવીને ઉદ્યોગપતિઓ પ્રદૂષણ માફિયા બની રહ્યા છે . જાણકારો કહે છે કે જેતપુરના સાડી ઉધોગને ખતમ કરવામાં જેતપુરના ઉદ્યોગપતિઓનો સિંહફાળો છે ત્યારે હવે પાણી પ્રદૂષણ બોર્ડ રબારીકા રોડના આ બેઠા પુલ નીચે ભરાયેલ પ્રદૂષણ બાબતે કોને દોષી ગણી ને કેવા પગલાં પાડશે તે સમય જ બતાવશે.


