ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. 19 ડીસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી થવા જઈ રહી છે. સરકાર અને તંત્ર ઘણા ગામોમાં ચૂંટણી સમરસ થાય તે માટે પ્રયાસ કરી રહી છે. કેટલાય એવા ગામ છે જે સમરસ જાહેર થઈ ચૂક્યા છે. અને 7 ડિસેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેચવાનો દિવસ છે. ત્યારે જેતપુરના મોણપર ગામે ગ્રામજનોએ પંચાયતની ચૂંટણી બહિષ્કાર કરી સરકાર તેમજ તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે. રાજ્યમાં ચૂંટણી વિભાગ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ગ્રામ પંચાયતોના સરપંચ પદની અને વોર્ડ સભ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક કક્ષાએ ઉમેદવારો દ્વારા સત્તા હાંસલ કરવા દોડધામ શરૂ કરી દીધી છે. પાયાની સુવિધાઓથી વંચિત રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા મામલાને થાળે પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
જેતપુરના મોણપર ગામમાં સરપંચ બનવા માટે કોઇ વ્યક્તિ તૈયારના થતા. સરપંચના ઉમેદવાર તરીકે છેલ્લી તારીખ સુધી કોઈએ ફોર્મના ભર્યું. 8 સદસ્યોની ગ્રામપંચાયતમાં માત્ર 1 જ વ્યક્તિનું સદસ્ય તરીકે ફોર્મ ભર્યું. ગામમાં કોઈ વ્યક્તિ સદસ્ય અને સરપંચ બનવા તૈયાર નથી. મોણપર ગામમાં વિકાસ ન થવાને લઇ લોકોએ વિરોધ કર્યો છે. ગામની નદી છે તે પ્રદૂષિત થઇ ગઇ છે. રોડ રસ્તા અને સફાઈ કોઈ પ્રકારના કામો થતા નથી. ગ્રામજનોનો આરોપ છે કે અનેક રજૂઆત છતા કોઇ કામ નથી થતા.જેને લઇ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
મોણપર ગ્રામપંચાયતની ચૂંટણીમાં કોઈએ સરપંચ કે સભ્યની ઉમેદવારી જ નથી નોંધાવી સાથે સરકાર અને તંત્ર સુધી વાત પહોંચાડવા પોતાનો હક્ક જતો કર્યો છે. પંચાયત માટે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ગામલોકોની ઉગ્ર માંગ છે કે તાત્કાલિકના ધોરણે ગામમાં પાયાની સુવિધા આપવામાં આવે.
હરેશ ભાલીયા જેતપુર


