ડાઈંગ અને પ્રિન્ટીંગ એસો.વિવિધ વેપારી સંગઠનો અને ચેમ્બર ઓફ કોમર્સનો બંધને ટેકો
સાડી મોંઘી થતા ડીમાન્ડ ઘટવાથી ઉદ્યોગની માઠી થવાની ભીતી, મામલતદારને આવેદન પાઠવ્યું
ટેક્ષટાઈલ અને કાપડ ઉદ્યોગમાં જીએસટીમાં ધરખમ વધારો કરાતા તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જેતપુર ડાઈંગ અને પ્રિન્ટીંગ એસોસીએશન દ્વારા જીએસટીના ભાવ વધારાનો વિરોધ કરી જેતપુર બંધનું એલાન આપવામાં આવે જેને જબરો પ્રતિસાદ સાપડ્યો છે. જેતપુરના અલગ અલગ વેપારી સંગઠનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સે બંધને ટેકો જાહેર કરતા સવારથી જ બજારો બંધ રહેવા પામી હતી. કારખાનેદારોએ વિશાળ રેલી યોજી જીએસટીનો વધારો થશે તો સાડી મોંંઘી થવાની સાથોસાથ ડિમાન્ડ ઘટવાનો ભય ઉભો થશે. તેમ જણાવી આજે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સરકારે આગામી જાન્યુઆરીથી કાપડ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના જારી કરેલા પરિપત્રના વિરોધમા જેતપુરના સાડી પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એસોસિએશન સાથે સંકળાયેલા એકમો શાંતિપૂર્ણ બંધ પાળશે અને બાદમાં ચેમ્બર તેમજ અન્ય એસોસિેએશનના સહયોગથી મામલતદાર કચેરીએ જઇને આવેદન આપી રજૂઆત કરી હતી. સરકાર દ્વારા જાન્યુઆરી 2022થી ટેક્ષટાઇલ પ્રોડક્ટસ અને કાપડ ઉપરના જી.એસ.ટી.નો દર 5% થી વધારી 12% કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં 12% જી.એસ.ટી.નો દર ટેક્ષટાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ખુબ જ અસહ્ય છે. જેતપુર ખાતેના ટેક્ષટાઇલ એકમોમાં પ્રિન્ટ થતી કોટન સાડી- ડ્રેસ મટીરીયલમાં રો-મટીરીયલ જેવા કાપડ, કલર, કેમીકલ, કોલસો અને પેકેજીંગ મટીરીયલના 20% જેટલા ભાવ વધારાને લીધે અંદાજીત રૂ/.35/- પ્રતિ નંગ તથા નવા લાગુ થનાર જી.એસ.ટી.ના વધારાને લીધે રૂ/. 15/- પ્રતિ નંગ દીઠ વધારો થશે. આમ, જેતપુરની સાડી રૂ/. 50/- જેટલી મોંઘી થશે. જેનો માર ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરીસ્સા, આસામ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના ગરીબ ગ્રાહકોને આ ભાવ વધારો સહન કરવો પડશે. તેમજ આ મોઘવારીની અસરથી જેતપુરની સાડીની ડિમાન્ડ ઘટશે જેને લીધે આ ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ છે. આથી જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા તા.15ને બુધવારે તમામ ટેક્ષટાઇલ પ્રિન્ટીંગ અને પ્રોસેસીંગ એકમોને સંપૂર્ણ બંધ રાખીને જી.એસ.ટી.ના દરમાં લાગુ કરવામાં આવનાર વધારાનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તથા જેતપુર ક્લોથ મર્ચન્ટ અને રેડીમેઇડ ગાર્મેન્ટ એસો. દ્વારા સવારે 10/00 કલાકે એસો.ની ઓફિસથી નીકળી પગપાળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કાપડમાં જીએસટીનો 12 ટકાનો વધારો પરત ખેંચવાની કેન્દ્રની હીલચાલ ટેક્ષટાઈલ અને કાપડ ઉદ્યોગમાં જીએસટીમાં 12 ટકાનો વધારો કરાતા તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જેતપુર ડાઈંગ અને પ્રિન્ટીંગ એસોસીએશન સહિતના વેપારી સંગઠનોએ સજ્જ બંધ રાખી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જ્યારે વેપારીઓના એક પ્રતિનિધિ મંડળે નાણા મંત્રી સાથે બેઠક યોજી જીએસટીનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે કાપડ ઉદ્યોગ ઉપર વધારાની અસર થવાથી ઉદ્યોગ પડી ભાંગવાની દહેશત સહિતના કારણો દર્શાવી ચર્ચા કરતા કેન્દ્ર સરકાર કાપડ ઉદ્યોગમાં કરવામાં આવેલ જીએસટીનો 12 ટકા વધારો પરત ખેંચવા અંગે ટુંક સમયમાં નિર્ણય લેશે તેવું લાગી રહ્યું છે.
હરેશ ભાલિયા જેતપુર


