નવી દિલ્હી: બૉલિવૂડ ડ્રગ્સ કેસમાં (Bollywood Drugs Case) એક વખત ફરીથી NCBની મોટી એક્શન સામે આવી છે. 200 કિલોગ્રામ માદક પદાર્થો જપ્ત કરવા અને મુંબઈના જાણીતા મુચ્છડ પાનવાલાની (Muchhad Paanwala) ધરપકડ બાદ નારકોટિક્સ બ્યૂરોએ (NCB) વધુ એક મોટી કાર્યવાહી કરી છે.
NCBએ હવે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા નવાબ મલિકના (Nawab Malik) જમાઈ સમીર ખાનને સમન્સ મોકલ્યું છે. NCBએ સમીરને પૂછપરછ માટે બોલાવ્યો છે. સમીર NCP નેતા (NCP Leader) નવાબ મલિકની પુત્ર નિલોફરનો પતિ છે.
NCBનું કહેવું છે કે, સમીર ખાન અને કરણ સજનાની વચ્ચે ગૂગલ પે થકી 20 હજાર રૂપિયાનું ટ્રાન્જક્શન થયું છે. NCBને આશંકા છે કે, ડ્રગ્સની ખરીદી માટે આ લેવડ-દેવડ થઈ છે. આથી તથ્ય જાણવા માટે NCBએ સમીર ખાનને પૂછપરછ માટે બોલાવ્યા છે.
જણાવી દઈએ કે, ગત સપ્તાહે આ મામલે ખાર અને બાંદ્રા વિસ્તારથી 200 કિલોગ્રામ નશીલા પદાર્થો સાથે એક બ્રિટિશ નાગરિક કરણ સજનાની સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આટલું જ નહીં, NCPએ મુચ્છડ પાનવાલાના (Muchhad Paanwala) માલિક રામકુમાર તિવારીની પણ ધરપકડ કરી છે.
NCBએ રામકુમારની પૂછપરછ બાદ ધરપકડ કરી છે. દક્ષિણ મુંબઈના કેમ્પસ કૉર્નરમાં આવેલ પાનની આ દુકાન (Muchhad Paanwala) ઘણી જ પ્રખ્યાત છે. અહીં અનેક જાણીતી હસ્તિઓ આવતી રહે છે.
પાનવાલાના (Muchhad Paanwala) ત્યાંથી અનેક માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં ગાંજો, ઓજી કુશ (એક પ્રકારની ભાંગ) અને મારિજુઆના જેવા નશીલા દ્રવ્યો સામેલ હતા. આ માદક પદાર્થોમાંથી કેટલાકને અમેરિકાથી પણ મંગાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ શરૂ થયેલી તપાસમાં ડ્રગ્સ એન્ગલ (Bollywood Drugs Case) સામે આવ્યા બાદ સતત પૂછપરછ અને ધરપકડો થઈ રહી છે. જેમાં અનેક જાણીતી હસ્તિઓના નામ પણ સામે આવી ચૂક્યાં છે. જ્યારે ફિલ્મી હસ્તિઓમાંથી અનેક જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓની અત્યાર સુધીમાં પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.
