26 જાન્યુઆરીની હિંસા બાદ સરકાર કોઇ બાંધછોડ કરવા માંગતી નથી
નવી દિલ્હીઃ
રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું ચક્કાજામ રોકવા માટે સરકારે 40 હજાર જવાનો ને તહેનાત કરી દીધા. ખેડૂતો દિલ્હી-એનસીઆર સિવાય દેશભરમાં બપારે 12થી 3 વાગ્યા સુધી જક્કાજામ કરવાના છે. દિલ્હી માટે ખેડૂત નેતાએ કહ્યું કે ત્યાં તો ખુદ રાજાએ કિલેબંધી કરી દીધી હોવાથી ચક્કાજામ જરુરી નથી. તેમ છતાં કેન્દ્ર સરકાર સાવચેતી રાખવા માંગે છે.
અત્યારે કેન્દ્રના ત્રણેય કૃષિ કાયદા રદ કરવા અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટીની માગ સાથે દિલ્હી બોર્ડરે ડટેલા છે. 26 જાન્યુઆરીની હિંસા બાદ દિલ્હી પોલીસ અને સરકાર સહેજપણ કુણુવલણ રાખવાના મૂડમાં નથી. પોલીસે સિંધુ અને ગાઝીપુર સરહદે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે.
સરકારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરુપે 40 હજાર સુરક્ષા જવાનોથી નાકાબંધી કરી છે. તેમાં અર્ધ સૈનિક બળો છે. ઉપરાંત પોતાના વિસ્તારોમાં નજર રાખવા માટે સ્થાનિક પોલીસ પણ તહેનાત કરી દેવાઇ છે. દિલ્હીમાં આશરે 12 મેટ્રો સ્ટેશનોને એલર્ટ રખાયા છે.
પોલીસે ખેડૂતોના ચક્કાજામથી સર્જાનાર સંભવિત સંઘર્ષને રોકવા માટે સાવચેતીના પગલાં રુપે ગાઝીપુર બોર્ડરે અનેક લેવલની બેરિકેડિંગ કરી છે. વોટર કેનિંગ વાહનો પણ ગોઠવી દેવાયા છે.
લાલકિલા પર પણ સુરક્ષા બળો ગોઠવાયા છે. દરમિયાન ખેડૂત નેતા સરવન સિંઘ પંઢેરે આજનું ચક્કાજામ સફળ બનાવવાની અપીલ કરી છે.
ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે તેઓ દિલ્હીને છોડી દેશના બાકીના રાજ્યોમાં ચક્કાજામ કરશે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ દિલ્હીમાં જામ નહીં કરે, પરંતુ એનસીઆરમાં બીજી જગ્યાઓ પર ચક્કાજામ કરશે
રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે દિલ્હીમાં અમે ચક્કાજામ નથી કરી રહ્યા, ત્યાં તો રાજાએ પોતે જ કિલ્લાબંદી કરી છે, તેથી અમને ચક્કાજામ કરવાની જરૂર નથી.
ખેડૂત નેતા દર્શનપાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે દિલ્હીમાં જામ નહીં કરવામાં આવે. પ્રદર્શનકારી ખેડૂત સંગઠન દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે બેસશે. અમે દિલ્હી સિવાય આખા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય હાઈવે બંધ કરીશું. બપોરે 12થી 3 કલાક દરમિયાન જામ રહેશે.
વિજળી-પાણી કાપવાના વિરોધમાં જામ
સંયુક્ત કિસાન મોર્ચા તરફથી જણાવવામાં આવ્યું છે કે દિલ્હીની સરહદો પર વિજળી-પાણી અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. સરકારે પ્રદર્શનને પ્રભાવિત કરવા માટે આ બધુ કર્યું છે. સાથે જ પોલીસની કાર્યવાહીને લઇને પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. આ તમામ વસ્તુઓના વિરોધમાં 6 ફેબ્રુઆરીના રોજ જામ કરવાની જાહેરાત કરી છે.


