જામનગરમાં પતિ દારૂ પી ને ક્રૂરતા આચરતા શિક્ષિકા પત્નિની છૂટાછેડાની અરજી અદાલતે મંજૂર કરી છે. દિકરીઓને પણ મારકૂટ કરતા માતાએ છૂટાછેડાની અરજી કરી હતી. શહેરના વૃંદાવન પાર્કમાં રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ ગૌરીબેન કાનજીભાઇ ઝાલાના લગ્ન ૧૯૮૪માં કાનજીભાઇ રામજીભાઇ ઝાલા સાથે થયા હતાં. દંપતિને લગ્નજીવનથી ત્રણ પુત્રી અને એક પુત્રનો જન્મ થયો હતો.
વર્ષ-૨૦૦૦માં રામજીભાઇએ ખાનગી કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી. પરંતુ ત્યારબાદ રામજીભાઇ દારૂ પી ને પત્નિ તથા દિકરીઓને માર મારતા હતાં. આથી પતિની ક્રૂરતાથી કંટાળી પત્નિએ જામનગરની ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જે ચાલી જતાં અરજદાર ગૌરીબેનના વકીલની પતિ-પત્નિ વચ્ચે કોઇ પ્રેમ અને લાગણી રહી ન હોય બંનેને સાથે રાખવાથી ન્યાયનો કોઇ હેતુ સરતો નથી સહિતની રજૂઆતો અને વિવિધ અદાલતના ચૂકાદા ધ્યાને લઇ ન્યાયાધીશે પત્નિની અરજી મંજૂર કરી છૂટાછેડાનો હુકમ કર્યો હતો.
