બારડોલી,
કોરોના મહામારીના લીધે છેલ્લા ૨ વર્ષથી દિવાળીમાં લોકોએ બિન જરૂરી મુસાફરી ટાળી હતી. તો ચાલુ વર્ષે કોરોના સંક્રમણ ઘટયું છે અને કોરોનાના કેસ નહિવત રહ્યા છે. ત્યારે પ્રવાસન સ્થળો ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારે લોકે મુસાફરી વધારી છે, જેને લીધે એસટી વિભાગમાં પણ અપેક્ષા કરતાં વધુ મુસાફરોનો ટ્રાફિક થતાં આવકમાં ધરખમ વધારો થયો છે એને કોવિડ કાળમાં થયેલા નુકસાનીની ખોટ મહદ અંશે ભરપાઈ થઈ છે.બારડોલી ડેપો દ્વારા દિવાળીની રજાઓમાં વતન જનારા લોકો માટે તેમજ ટુરિસ્ટોની સવલત માટે એક્સ્ટ્રા બસ સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ દિવાળીએ બારડોલી એસટી ડેપોએ ત્રણ ગણી આવક કરી છે. ૨૦૨૦ના વર્ષમાં બારડોલી એસટી ડેપોએ દિવાળીની એક્સ્ટ્રા ટ્રીપ મારફતે ૫.૬૩ લાખ રૂપિયાની આવક કરી હતી. ચાલુ વર્ષે વધીને ત્રણ ગણી ૧૫ લાખથી વધુ થતાં એસટી વિભાગને દિવાળી ફળી છે. બારડોલી એસટી ડેપોએ કોરોના કાળમાં થયેલ આર્થિક નુકસાની કવર કરવાની નેમ સાથે જાણે આગોતરું આયોજન કર્યું હોય એમ દિવાળીના તહેવારની રજામાં બારડોલી ડેપોએ એક્સ્ટ્રા ૯૩ ટ્રીપ દોડાવી મુસાફરોને સવલત પૂરી પાડી અને સાથેજ ડિઝલના ભાવમાં વધારાને લીધે પ્રાઈવેટ પબ્લિક ટ્રાન્સપોર્ટના ભાડામાં ધરખમ વધારો થયો હોવાની સાથેજ એસટી વિભાગે પણ મુસાફરોને આકર્ષવા માટે એડ્વાન્સ બુકિંગ, ઓનલાઈન બુકિંગ તેમજ એસટી આપના દ્વારે જેવી અલગ અલગ સુવિધાઓ ઊભી કરી મુસાફરોને સવલત ઊભી કરી સાથે જ પ્રાઈવેટ વાહનો લઈને મુસાફરી કરનારાઓને પણ ડિઝલના ભાવ વધારાને લીધે પોતાના વાહનોમાં મુસાફરી કરવી ખર્ચાળ લાગતાં ચાલુ વર્ષે દિવાળીની રજાઓમાં લોકોએ એસટીની મુસાફરી વધુ પસંદ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દિવાળીમાં બારડોલી ડેપો દ્વારા દોડાવાયેલ એક્સ્ટ્રા ટ્રીપ થકી ૧૫,૫૧,૯૯૦ ની આવક કરી છે, જે ૨૦૧૯માં ૪,૫૦,૦૦૦ અને ૨૦૨૦ માં ૫,૬૩,૪૦૬ થઈ હતી, જે અગાઉની સિઝન કરતા ત્રણ ગણી વધી છે. બારડોલી ડેપોએ બારડોલી ઉપરાંત સુરતથી પણ એક્સ્ટ્રા બસ દોડાવી વધુ સારી આવક કરી રેકોર્ડ કર્યો છે.


