રાજકોટ
રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.૫ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. ભાજપનાં મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી આવી હતી, જેમાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને ૮૮૫ મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને ૧૦૯૮ મત મળ્યા છે.પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ગઢ સમાન જસદણ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠક સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.આ બંન્ને બેઠક પર વિજેતા ઉમેદવાર કોરોનાના કારણે મૃત્યુ પામ્યા બાદ પેટાચૂંટણી આવી હતી જેમાં શિવરાજપુર બેઠક પરથી કાૅંગ્રેસના ઉમેદવાર વિનુભાઈ મેણીયા નો ૨૦૮૪ મત થી વિજય થયો હતો. જ્યારે સાંણથલી બેઠકના કાૅંગ્રેસના શારદાબેન ધડુક નો ૪૦૦ મતે વિજય થયો છે.નવી સરકાર બન્યા બાદ પ્રથમ ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. જિલ્લા પંચાયતની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપની હાર જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે સ્વીકારી હતી.ભૂપત બોદરે કહ્યું હતું કે જનતાનો ચૂકાદો સ્વીકારીએ છીએ.અમારી જ્યાં પણ ચૂક થઇ હશે તે સ્વીકારીશું અને મહેનત કરીને તેને સુધારવાના પ્રયત્નો કરીશું. જિલ્લા પંચાયતની પેટાચૂંટણી જાહેર થઇ ત્યારે ગાંધીનગરમાં સરકારની ઉથલપાથલ થઇ રહી હતી તેવા સમયે જ કુંવરજી બાવળિયાએ પ્રદેશ ભાજપને પત્ર લખીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાંથી હાથ ખંખેરી લીધા હતા અને પોતે વ્યસ્ત હોવાનું કહીને પાર્ટીના આદેશ શિરોમાન્ય રહેશે અને પોતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં નહિ જાેડાય તેની જાહેરાત કરી હતી. જસદણ પંથક આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ કુંવરજી બાવળિયા ભાજપમાં જાેડાયા બાદ આ વિસ્તારમાં ભાજપને ફાયદો થયો હતો.જાે કે પેટાચૂઁટણીના પરિણામે ફરી આ વિસ્તારમાં કોંગ્રેસ આજે પણ મજબૂત છે તે સાબિત કર્યું છે.જાે કે આ વિસ્તારમાં ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા વચ્ચેનો જુથવાદ યથાવત છે.બે બેઠક પૈકી શિવરાજપૂર બેઠક કોળી સમાજના પ્રભુત્વવાળી છે જ્યાં કુંવરજી બાવળિયાનો દબદબો છે જ્યારે સાંણથલી બેઠકમાં ભરત બોઘરા પાટીદાર સમાજમાં પકડ ધરાવે છે જાે કે બંન્ને બેઠક પર આંતરિક જુથવાદને કારણે કોંગ્રેસને લાભ મળ્યો છે ત્યારે આ પરિણામની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેટલી અસર થશે તે જાેવાનું રસપ્રદ રહેશે.
