સુરેન્દ્રનગર
૪૬ વર્ષના ભાઇનું મૃત્યુ થયા પછી તેનું અસ્થિ વિસર્જન કરવા છેક અમેરિકાથી આવેલી લાડકી બહેને એક અનોખું દ્રષ્ટાંત પુરૂ પાડ્યું હતું. ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર મૃતક ભાઇ ગૌરવ જાનીને બાઇક રાઇડીંગનો ખુબ શોખ હતો. તેમની રાઇડીંગ સોલો નામની ડોક્યુમેન્ટરી ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ બાઇક પર વિવિધ સ્થળોએ ફરવા નીકળી પડતા હતા. એમાં પણ અગરિયા સમુદાય જ્યાં મીઠાની ખેતી કરે છે તે કચ્છનું નાનું રણ ગૌરવને અનહદ પ્રિય હતું. રણની રેતી સાથે મમતા બંધાઇ ગઇ હોવાથી અમદાવાદથી વારંવાર તે બાઇક પર અહીં આવતા હતા.
ગૌરવે સૌ પ્રથમવાર ૧૯૯૯ના વર્ષમાં રણની મુલાકાત લીધી હતી. રણના એકાંત અને રણના સૌંદર્યનું તેઓ પરિવારના સભ્યોને પણ વર્ણન કરતા હતા. અમેરિકા ખાતે રહેતી બહેન કૃપા અને ગૌરવ ટ્વીન ભાઇ-બહેન હતા. કૃપા રણમાં કણ-કણ બનીને વિખેરાઇ જવાની ભાઇની ઝંખના વિશે જાણતી હતી. રણ પ્રત્યે ભાઇનો લગાવ અને તેમની ચાહનાને લીધે બહેને રણમાં આવીને પરિવારજનો અને સ્વર્ગીય ભાઇના ખાસ મિત્રોની હાજરીમાં રણમાં અસ્થિનું વિસર્જન કર્યું હતું. રણ માટેના ભાઈના આકર્ષણ અને પ્રેમથી પ્રેરાઇને જ બહેન સાત સમંદર પાર કરીને અહિ આવી હતી. આ પ્રસંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે રણ માટેનો ગૌરવનો પ્રેમ જ અહીં સુધી અમને ખેંચી લાવ્યો છે અને તેની રણના કણ-કણમાં સમાઇ જવાની ઇચ્છાને અને પૂર્ણ કરવા પ્રેરાયા છીએ.


