ભાવનગર
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ દરમિયાન રાષ્ટ્રપતિને હાઉસિંગ કમિશનર લોચન શહેરા અને મ્યુ. કમિશનર એમ.એ.ગાંધીએ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી. જેમાં રાજ્યમાં ૮.૨૪ લાખ મંજુર આવાસો પૈકી ૫.૫૩ લાખ આવાસોની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું. પી.એન.જી.ગેસ લાઈન જાેડાણ સાથે અન્ય સુવિધાથી રાષ્ટ્રપતિએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ફાળવાયેલા આવાસ લાભાર્થીઓ વહેંચી ના નાખે તેની તકેદારી રાખવા પણ તંત્રને સુચના આપી હતી. રાષ્ટ્રપતિના હસ્તે આવાસ યોજનાના લોકાર્પણનું ઝ્રસ્ર્ં દ્વારા યુ ટ્યુબ પર લાઈવની વ્યવસ્થા કરી હતી પરંતુ ટેકનિકલ ખામીને કારણે લાઈવ જ થઈ ના શક્યું. તદુપરાંત રાષ્ટ્રપતિ અને અધિકારીઓ પદાધિકારીઓ સાથે પ્રેઝન્ટેશન સમયે પણ વારંવાર તકનીકી ખામી સર્જાતી હતીઆર્થિક રીતે જરૂરીયાતમંદ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના સુભાષનગર હમીરજી પાર્ક ખાતે ૧૦૮૮ આવાસોનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હસ્તે લોકાર્પણ કરી પાંચ લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી હતી. આઝાદી બાદ પ્રથમવાર ભાવનગર ખાતે રાષ્ટ્રપતિના આગમનથી ભાવેણાવાસીઓ પણ હરખાયા હતાં. કોઈપણ જાતના ભાષણબાજી વગર સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીના પર્વ પહેલા આવાસ ફાળવાતા લાભાર્થીઓ નૂતન વર્ષના શુભ દિવસોમાં ગૃહ પ્રવેશ પણ કરી શકશે. જે માટે લાભાર્થીઓને રાષ્ટ્રપતિએ શુભકામના પાઠવી હતી. દરેક લોકોનો પોતાના ઘરનું ઘર હોવાનું એક સ્વપ્ન હોય છે. પરંતુ દરેકની આર્થિક સ્થિતિને કારણે સંભવ નથી બનતું. જેને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સ્વપ્નને સાકાર કરવામાં આવે છે. આર્થિક રીતે જરૂરીયાતમંદ લોકોને સરકારની સહાય અને સરળ લોન દ્વારા ઘરનું ઘર આપવામાં આવે છે. ભાવનગર શહેરમાં જ મહાનગરપાલિકા દ્વારા રૂ.૯૮૭ કરોડના ખર્ચે ૨૪ સ્થળે ૭૮૭૫ આવાસ નિર્માણ કરી લાભાર્થીઓને સોંપવામાં આવશે. જે પૈકી ૧૦૮૮ આવાસ શહેરના સુભાષનગર હમીરજી પાર્ક ખાતે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી તૈયાર થઇને પડ્યા હતાં. લોકાર્પણની ઔપચારિકતાને કારણે આવાસ સોંપવામાં આવતા ના હતાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થવાનું હતું જે રદ થયા બાદ અંતે રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણનું નક્કી થયું. આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૮૮ ઈ.ડબલ્યુ.એસ.-૧ આવાસનું લોકાર્પણ કરાયું હતું. આવાસ યોજનાના સ્થળે જ લોકાર્પણનો કાર્યક્રમ કોવિડની ગાઈડ લાઈન અનુસાર ઓછી સંખ્યામાં યોજાયો હતો. રાષ્ટ્રપતિનું સ્વાગત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરાયું હતું. રાષ્ટ્રપતિની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબાળાબેન દાણીધારિયા પણ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ બાદ ૧૦૮૮ લાભાર્થીઓ પૈકી ૫ લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે રાષ્ટ્રપતિ રામાનાથ કોવિન્દ અને તેમના પત્ની સવિતા કોવિન્દના હસ્તે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે થોડી મિનિટો આવાસ યોજનાનું પ્રેઝન્ટેશન જાેઈ સાહજિક ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં કલેક્ટર, કમિશનર, ધારાસભ્ય વિભાવરીબેન દવે અને કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


