અમદાવાદ: ધર્માતરણ કરવા માંગતા 32 વર્ષના યુવકે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. એક વર્ષથી ભરૂચ કલેક્ટર સમક્ષ અરજી પેન્ડિંગ હોવા છતા કોઇ નિર્ણય ના લેવામાં આવતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટે આ મુદે ભરૂચ કલેકટરને 8 સપ્તાહ સુધીમાં યુવાનની અરજી મુદ્દે નિણર્ય લેવાનો આદેશ કર્યો છે. ભરૂચના યુવાન જીગ્નેશ પટેલે 26મી નવેમ્બર 2019ના રોજ મુસ્લિમ ધર્મ અંગીકરણ કરવા માટે ભરૂચ કલેકટર સમક્ષ અરજી કરી હતી. જોકે એક વર્ષ સુધી કોઈ નિણર્ય ન લેવાતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ધર્મ પરિવર્તન માટે કરેલી અરજીમાં યુવક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે બળજબરીપૂર્વક નહિ પરંતુ સ્વેચ્છાએ ધર્મપરિવર્તન કરી રહ્યો છે. આ મુદ્દે તેની માતા અને બહેનને પણ કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી.
ધ ફ્રીડમ ઓફ રીલીજીયસ એકટ પ્રમાણે ગુજરાતમાં ધર્મ પરિવર્તન માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડે છે. બળજબરીપૂર્વક કોઈનું ધર્મ પરિવર્તન ન થાય તેના માટે આ કાયદો લાવો પડ્યો હતો. યુવાન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ રોજા, નમાઝ પણ પઢે છે અને આ તમામ વસ્તુઓ સ્વેચ્છાએ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
