Gujarat

રાજ્ય કક્ષાનો વેબિનાર- ‘ચાર કવિઓ ટૂંકું જીવન ઉત્તમ સર્જન’

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ચાર કવિઓ ટૂંકું જીવન, ઉત્તમ સર્જન’ (કલાપી, પ્રહલાદ પારેખ, રાવજી પટેલ અને મણિલાલ દેસાઈ) વિષય પર રાજ્યકક્ષાનો એકદિવસીય વેબિનાર યોજાયો હતો. વેબિનારની શરૂઆત સવારે ૧૦ ઉદ્ઘાટન બેઠકથી કરવામાં આવી હતી. ઉદ્ઘાટન બેઠકમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. સુરેશ ગઢવીએ પ્રસ્તુત કાર્યક્રમના મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા પ્રસ્તુત નવા જ વિષય પર વેબિનારનું આયોજન કરવા બદલ ગુજરાતી વિભાગને બિરદાવ્યો હતો. ત્યાર બાદ ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને વેબિનારના સંયોજક ડૉ. જિજ્ઞેશ ઠક્કરે ભૂમિકારૂપ વક્તવ્ય આપ્યું હતું. એ પછી ડૉ.મણિલાલ હ. પટેલે બીજરૂપ વક્તવ્ય આપતા ચારેય કવિઓના ટૂંકા જીવન અને તેમની ઉત્તમ કૃતિઓને આધારે સમકાલીન કવિઓ વચ્ચે પ્રસ્તુત કવિઓનું સ્થાન સમજાવ્યું હતું. ઉદ્ઘાટન બેઠકની આભારવિધિ પ્રો.પ્રિયંકાબેન ખરાડીએ કરી હતી. ઉદ્ઘાટન બેઠકનું સંચાલન ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ.અભિષેક દરજીએ કર્યું હતું.
વેબિનારની પ્રથમ બેઠકમાં ડૉ.ભગીરથ બ્રમ્મભટ્ટે કવિ કલાપીના સંઘર્ષમય સંસારિક જીવન અને તે થાકી સર્જાયેલું પ્રણય અને કરુણતા ભર્યા સાહિત્ય વિશે સૂક્ષ્મ ચર્ચા કરી હતી. ત્યારબાદ ડૉ.વિનોદ જોશીએ પ્રહલાદ પારેખની કવિતા વિશે જણાવર્તા યુગસંદર્ભ અને બારી બહાર કાવ્યસંગ્રહના શીર્ષક વિશે ચર્ચા કરી હતી. એ પછી ડૉ.ગુણવંત વ્યાસે આજીવન અભ્યાસી અને કવિ રાવજીની કવિતા તથા તેમાં પ્રયોજાયેલું છંદવૈવિધ્ય, લયવૈવિધ્ય અને રાવજીની કવિતામાં રહેલા અર્થસંકેતો વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ ડૉ.પિનાકિન પંડ્યાએ મણિલાલ દેસાઈની કવિતામાં આધુનિક વાતાવરણ અને તળપદી બાની વિશે વાત કરતા મણિલાલના જીવન સંદર્ભો પણ ટાંક્યા હતા. પ્રથમ બેઠકની આભારવિધિ ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો.આકાશ પરમારે કરી હતી.
ત્યારબાદ દ્વિતીય બેઠકમાં ડૉ. જિજ્ઞેશ ઠક્કરના અધ્યક્ષપણા હેઠળ સંશોધકોએ શોધપત્રો રજુ કાર્ય હતા. દ્વિતીય બેઠકનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. સંદીપ સાંચલાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ જયેશ વ્યાસે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *