Gujarat

*રાજ્યના ૨ લાખથી વધુ ખેડૂતમિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*

*રાજ્યના ૨ લાખથી વધુ ખેડૂતમિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*

*બગસરા ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ શિબિર અને ખેડૂત સન્માન સમારોહ યોજાયો*

અમરેલી તા. ૨૩ ઓક્ટોબર, અમરેલી જિલ્લાના બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શિબિર અને ખેડૂત સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ ખેડુતોને આહવાન કર્યુ હતું.

ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨ લાખથી વધારે ખેડૂતમિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જે તે ખેડૂતની સાથે સાથે લાંબાગાળે આપણા સ્વાસ્થ અને આરોગ્ય માટે ખૂબ જ ફળદાયી નીવડશે. લોકોને ઝેરયુક્ત આહારથી મુક્તિ મળશે અને આરોગ્યપ્રદ આહાર મળશે.

રાજ્યપાલશ્રીએ ગત ૧૧ ઓક્ટોબરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે મુલાકાત દરમિયાન થયેલી ચર્ચા અંગે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી સમગ્ર ગુજરાતના ખેડૂતોને ઝેરયુક્ત, રાસાયણિક ખેતીથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઝુંબેશરૂપે આંદોલન ચલાવવા આહવાન કર્યું હતું. ગુજરાતની સાથે સાથે દેશભરના ખેડૂતો સુખી સંપન્ન બને તેવી વડાપ્રધાનશ્રીએ મહેચ્છા વ્યક્ત કરી હતી.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન ફળદ્રુપ બને છે, ઉજ્જડ અને બિન ઉપજાઉ જમીનને પણ આ પધ્ધતિથી ફળદ્રુપ બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, કાંકરેજી અને ગીર ઓલાદની દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી સમગ્ર રાજયમાં શ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અભિયાન સ્વરૂપ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમાં ખુબ સારી સફળતા પણ મળી રહી છે. ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજીને પ્રાકૃતિક ખેતી તરફ વળી ગુજરાતને રાસાયણિક ખેતીથી મુક્ત બનાવીએ.

બગસરા પંથકમાં કૃષિ ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવનાર પ્રગતિશીલ ખેડૂતશ્રીઓનું રાજ્યપાલશ્રીએ પ્રમાણપત્ર અને મેમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ સાથે રાજ્યપાલશ્રીએ શિક્ષણ અને પર્યાવરણને જોડનારા શિક્ષકશ્રીનું વિશિષ્ટ બહુમાન કરી અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલશ્રીએ અને ઉપસ્થિત તમામ મહાનુભાવશ્રીઓએ મંદિરના પટાંગણમાં ઉભી કરવામાં આવેલી કૃષિ બજારની મુલાકાત લઈ કૃષિ સબંધિત પ્રોડક્ટના વિક્રેતાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીએ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કરી ગૌશાળા ખાતે ગૌપૂજન કર્યું હતું.

શિબિરમાં ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી, અદભુત સ્વામી, મુક્ત સ્વરૂપ સ્વામી, ટ્રસ્ટી શ્રી રાઠોડ, દલસુખભાઈ તેમજ વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં મંદિરના ભક્તો અને ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં

IMG-20211023-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *