- વડોદરા ભાજપમાં મધુશ્રીવાસ્તવના પુત્રનો ખુલ્લો બળવોઃ હું ભાજપને હરાવીશ
- સંસ્કારી નગરીના વોર્ડ નંબર 15ના 2015ના વિજેતા દીપક શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા
વડોદરાઃ
ભાજપના ટિકિટ આપવાના કડક નિયમો સામે વડોદરામાં ધારસભ્ય મધુશ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે ખુલ્લો બળવો કરી દીધો. દીપકે ભાજપને હરાવવાનો હુંકાર પણ ફેંકી દીધો. તે સાથે માં સવારે 11-15 કલાકે વોર્ડ નંબર 15માંથી અપક્ષ ઉમેદવારી માટે પણ સમર્થકો સાથે પહોંચી ગયા હતા. મધુશ્રીવાસ્તવને પાછલા બારણે પુત્રને ટિકિટ મળવાની સંભવના હતી. પરંતું છેલ્લે સુધી પક્ષ તરફથી રિસ્પોન્સ ન મળતા દીપકે અપક્ષ તરીકે લડવાની જાહેરાત કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી. દીપકે હુંકાર કર્યો કે, હું ભાજપને હરાવીશ અને હું જ જીતીશ. વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભરી ભાજપ હાઈકમાન્ડને લીધો પડકાર ફેંક્યો છે.
દીપક પહેલાં પણ અપક્ષ તરીકે જીત્યા હતા
દીપક શ્રીવાસ્તવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 2015માં વોર્ડ નંબર 15માંથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી પણ ભાજપના નવા નિયમ પ્રમાણે પિતા પાસે પક્ષની જવાબદારી હોવાથી ટિકિટ નહીં મળે.
દીપકની અવેજીમાં ટિકિટ મેળવનાર ઉમેદવાર 302નો આરોપઃ મધુ
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ પુત્રનું પત્તુ કપાતાં નારાજ છે. છતાં તેમણે જણાવ્યું હતું કે પક્ષની યાદીમાં નામ ન હોવા છતાં પણ દીપક ભાજપ તરફથી ફોર્મ ભરશે. દીપકના સ્થાને ઉતારેલો ઉમેદવાર 302નો આરોપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે. પુત્ર દીપક કાર્યદક્ષ હોવા છતા તેને ટિકિટ ન અપાતા પોતે નારાજ હોવાનું તેમણે જણાવ્યું.
દીપકે વડોદરામાં સૌથી વધુ લીડ સાથે જીત મેળવી હતી
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે પાર્ટીમાં હવે નવા-નવા માણસો આવ્યા છે અને પાર્ટીને સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે, એના વિશે તો વિરોધ નથી કરી શકતો. પણ એટલું તો કહી શકું કે થોડી નારાજગી છે. મારો દીકરો પહેલા અપક્ષ ચૂંટણી જીત્યો હતો. પછી ભાજપે ટિકિટ આપી તો વડોદરા શહેરમાં લીડ સૌથી વધુ અને ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ લીડ હતી. તેને ટિકિટ ન મળતા હું નારાજ છું.
મધુ શ્રીવાસ્વને પાછલે બારણે પુત્રને ટિકિટ અપાવવાનો ભરોસો હતો
અગાઉ શુક્રવારે મધુ શ્રીવાસ્તવે પક્ષ સાથે વાતચીત કરી પાછલી બારીથી પુત્ર દીપકને ટીકીટ અપાવીશ તેમ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હજુ શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. એટલે છેલ્લા દિવસે નવાજુની થશે. મારા દિકરાને ટિકિટ અપાવવા હું પાર્ટીની પાછલી બારીએથી પ્રયત્ન કરી રહ્યો છું. મારા પુત્રને ભાજપમાંથી ટીકીટ મળશે જ.
ટિકિટ નહીં મળે તો દિકરા ને અપક્ષ કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવશો? પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે બીજી કોઈ પાર્ટી કે અપક્ષમાંથી દિકરાને ચૂંટણી લડાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
પુત્રી નિલમ માટે પણ પ્રયાસો કર્યા હતા
મધુ શ્રીવાસ્તવે પોતાની દિકરી નિલમના લગ્ન થઈ ગયા હોવાથી તે પોતાના નામની પાછળ શ્રીવાસ્તવ અટક નથી લગાવતી,તેમ જણાવી પુત્રી નિલમને ટિકિટ મળશે તેમ પણ જણાવ્યું હતું. જોકે મધુ શ્રીવાસ્તવના આ નિવેદન બાદ નિલમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની નિલમ શ્રીવાસ્તવ નામ સાથે લખેલી પોસ્ટ શુક્રવારે વાયરલ થઈ હતી. જેના પગલે નિલમે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઈલ લોક કરી દીધી હતી.


