આજવા
વડોદરામાં આજવારોડ વિસ્તારમાં રહેતી રેહાના મેમણ (ઉ.વ.૩૧) ને ગત સોમવારે પ્રસૂતિ માટે જમનાબાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.અને બીજે દિવસે તેની સર્જરી કરવામાં આવી હતી. ટાંકા તૂટયા પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે ગયા પછી પરિણીતાને પેટમાં દુઃખાવો થતા તેણે પાણીગેટ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં બતાવ્યુ હતું.સિટિ સ્કેન કરાવવામાં આવતા તેના પેટમાં પેડ હોવાનું જણાયું હતું. પેટમાં પેડ રહી ગયું હોવાનો રિપોર્ટ લઇને દર્દીના સગા જમનાબાઇ હોસ્પિટલમાં ગયા હતા.અને સર્જરી કરનાર ડોક્ટર રાજેન્દ્ર ચૌહાણને રજૂઆત કરી હતી. ડોક્ટરે તેઓને ફરીથી ઓપરેશન કરી આપવા કહ્યું હતું. પરંતુ એક વારની ઘટના પછી દર્દીના સગાને ડો.ચૌહાણ પર ભરોસો નહી થતા તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યાર બાદ દર્દીના સગા દ્વારા હોસ્પિટલના સત્તાધીશો પાસે ઓપરેશનના ખર્ચની માંગણી કરી ઓપરેશનમાં નિષ્કાળજી અંગે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.પરંતુ ડોક્ટરે ખર્ચ આપ્યો ન હતો. આ અંગે ડોક્ટર રાજેન્દ્ર ચૌહાણને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લાં ૨૦ વર્ષથી અહીંયા કામ કરૂ છું અને ૨૦ વર્ષમાં આવો એક પણ કિસ્સો થયો નથી. મારી તે દર્દી સાથે કોઇ દુશ્મની નથી.તો હું શું કરવા તેની સાથે આવું કરૂ? આ હ્યુમન એરર હોઇ શકે છે.પણ દર્દીના તમામ રિપોર્ટ જાેયા વિના કશું કહી ના શકાય.આજવારોડ વિસ્તારમાં રહેતી પરિણીતાની જમનાબાઇ હોસ્પિટલમાં થયેલી પ્રસૂતિ દરમિયાન તેના પેટમાં ભૂલથી પેડ રહી જતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની ફરજ પડી હતી. મહિલા દર્દીના પરિવારે આ અંગે વળતરની તથા સર્જરી કરનાર ડોક્ટરની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.આ અંગે ડોક્ટરે હ્યુમન એરર હોવાની અટકળ વ્યક્ત કરી છે.
