અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યાં બાદ નવી નિમણૂક અંગેના વિવાદનો અંત આવ્યો હતો. ગત શુક્રવારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ચાર્જ સંભળ્યો છે, જેને લઇ અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધીભવન ખાતે પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. પદગ્રહણ બાદ યોજાયેલી સભામાં જગદીશ ઠાકોરે આક્રમક તેવર બતાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસે મને જવાબદારી સોંપી છે. મને ગૌરવ છે, હું ગુજરાતી અને કોંગ્રેસી છું. કોંગ્રેસની વિચારધારાને વરેલો છું. કોંગ્રેસમાં એકતા છે, વિજય રૂપાણીની સરકાર બદલાઈ છે. અમે પાંચ પાંડવોવાળા છીએ, ૧૦૦ કૌરવોવાળા નથી. ખેડૂતો અને ૫૦ લાખ બેરોજગાર પ્રાયોરિટી છે. કોંગ્રેસની સરકાર લાવો અને પહેલી કેબિનેટમાં જ લીલીપેનથી સહી કરી ગુજરાતના ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવશે. વાઇબ્રન્ટમાં ૨૫૦૦૦ની ડિશ આપો છો અને યુવાનોને ૫૦ રૂપિયાનાં પૂરી-શાક ખવડાવી શકતા નથી. ૨૦૨૨નો રોડ મેપ તૈયાર છે. નાના-મોટા ફેરફાર કરવાના હતા એ કર્યા છે. અમિતભાઇ, ભરતસિંહ, દીપકભાઈ, શૈલેષભાઇ અને ગ્યાસુભાઈ, સિદ્ધાર્થભાઇ સામે એકપણ કેસ નથી અને તેમણે ૧૦૮ કેસવાળો બનાવ્યો. અમને કહે, કાયદો વ્યવસ્થા રાખો, નહીં રાખો તો મજા નહિ રહે. ભાજપવાળાને કહું છું, તમને એક માઈનો લાલ સારો ન મળ્યો તો ૧૦૮ કેસવાળો મળ્યો. જગદીશ ઠાકોર પદગ્રહણ કરે એ પહેલાં તેમના ફોટા સાથેની કેક કાપી હતી. તેની પાંચ મિનિટ સુધી કેક કાપવા માટે જગદીશ ઠાકોરે હાર્દિક પટેલની રાહ જાેઈ હતી.બાદમાં જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારોહ શરૂ થયો હતો.


