નવસારી,
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા લુન્સીકૂઈથી જયશંકર પાર્ટી પ્લોટ રોડ પર લાખોના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આ શોપિંગ સેન્ટરમાં એક વર્ષ પહેલાં કામ કરાતાં કોન્ટ્રાક્ટરને માલસામાન મુકવા માટે જગ્યા આપી હતી. જાેકે આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં તે તેનો બિન્દાસ્ત ઉપયોગ કરતો હતો. ગુરૂવારે બે ટ્રક ભરી સિમેન્ટની ગુણ આવતા આ બાબતે સોશિયલ મીડિયામાં આ ટ્રકનો વિડીયો વહેતો થતા પાલિકાને જાણ થઈ હતી. પાલિકાએ તુરંત જ આ ૩૦૦ સિમેન્ટની ગુણ ભરેલી દુકાનને સીલ કરવાનો હુકમ કર્યો હતો. પાલિકાની શોપિંગ સેન્ટરમાં પાલિકાની પરવાનગી વગર સિમેન્ટની ગુણો મુકવી એ ગેરકાયદે છે. આ કોન્ટ્રાક્ટર ડ્રેનેજ વિભાગમાં કાર્યરત હતો ત્યારે માલ સમાન મુકવા દુકાન આપી હતી પણ તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં તેનો વિનામૂલ્યે ઉપયોગ કરતો હતો કે તેનું ભાડું કોને આપતો હતો તે બાબતે કાર્યવાહી થશે.નવસારી-વિજલપોર પાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનમાં પૂર્વ કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટનો જથ્થો મુકતા અંગેની માહિતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. આ બાબતે પાલિકા પ્રમુખને પણ જાણ કરતા તેમણે તુરંત આ દુકાનને સીલ મારીને જે પણ આ દુકાનનો ગેરકાયદે વપરાશ કરતા હોય તેની સામે કડક પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
