મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રથમવાર સાડી ઉદ્યોગની નગરીની મુલાકાતે : ધર્મોત્સવનો લ્હાવો લીધો.
અમે સૌ નાનામાં નાના માણસ છેવાડાના માણસની સારી રીતે સેવા કરી શકીએ એ જ સ્વામિનારાયણ ભગવાન પાસે પ્રાર્થના- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જેતપુર સ્વામિનારાયણ ગાદીસ્થાન તીર્થધામ ખાતે નૂતન મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા, ભક્તચિંતામાણી સપ્તાહ પારાયણ 220મો ગાદી પટ્ટા ભિષેક મહોત્સવ સહિતના સાત દિવસીય અનેકવિધ ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે મુખ્યમંત્રી હાજરી આપી હતી.
શહેરમાં ઉજવાઈ રહેલ સ્વામીનારાયણના 220મા ગાદી પટ્ટાભીષેકના 4થા દિવસે નુતન મહિલા મંદિર ઉદઘાટન, મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ વક્તા વિવેકસાગરદાસજી સ્વામીએ કથાનું રસપાન કરાવી રહ્યા છે
આજે સવારે સમુહ પુજા કરવામાં આવેલ આજે બપોરે 2.30 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉત્સવમાં હાજરી આપી લ્હાવો લીધો હતો. બાદમાં મંદિરે દર્શનાર્થે જઇ ભગવાનને શીશ ઝૂકાવ્યું હતું. મુખ્યમંત્રી આવવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ઠેર ઠેર ચુસ્ત બંદબોસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત જેતપુર મંદિરે દર્શનાર્થે આવી રહ્યા છે. તેઓ ધોરાજી રોડ ખાતે હેલીપેડે ઉતરી કાર મારફત અમરનગર રોડ પરથી મહોત્સવ સ્થળે આવ્યા હતા ત્યારબાદ એમજી રોડ પર આવેલ મંદિરે દર્શનાર્થે ગયા હતા જેના રુટ ઉપર પોલીસે કડક બંદોબસ્ત મુકવામા આવ્યો છે.આ રુટ ઉપર અમરનગર રોડ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં હોય ખાડા ખબડા પડી ગયા હોય તેને તાત્કાલીક યુધ્ધના ધોરણે ડામર પેવરથી રીપેરીંગ કરવામાં આવેલ. લોકોમાં એવી ચર્ચા છે કે મુખ્યમંત્રી દર બે-ત્રણ મહિને આવવા જોઇએ જેથી શહેરના રોડ રસ્તા સારા રહે અને ટ્રાફીકનો પ્રશ્ર્ન ઉકલી જાય.
મહોત્સવમા સહભાગી થઈ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હરિભક્તોને જણાવ્યું હતું કે તમે જે આસ્થાથી અહીં બેઠા છો એ આસ્થાથી હું પણ અહીં આશીર્વાદ લેવા આવ્યો છું. ગાદીસ્થાનના મહાત્મ્યને જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે અહીંથી સદવિચારો મેળવીને આપણે સેવાના કાર્યો કરવાના છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમે સૌ જનતાની સારી રીતે સેવા કરી શકીએ ,જનતાના સારા કાર્યો થાય તેમજ નાનામાં નાના માણસ છેવાડાના માણસની સેવા કરી શકીએ તે માટે ભગવાન સ્વામિનારાયણના- સંતોના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરું છું.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને હરિભકતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હરિભક્તો આગેવાનોએ સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા. આ પૂર્વે શ્રી વિવેક સાગર સ્વામીએ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર સેવાના અને મહિલા સશક્તિકરણના કાર્યો બિરદાવ્યા હતા.
મહોત્સવના કાર્યક્રમમાં સહભાગી થઈ મુખ્યમંત્રીશ્રીએ સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરે જઇ દર્શન કર્યા હતા આ પ્રસંગે શ્રી દેવ પ્રકાશ સ્વામી, પૂર્વ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, કલેકટર શઅરુણ મહેશ બાબુ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર


