Gujarat

સુરતના વૃદ્ધ દંપતી ૨૫૦ બાળકોને રોજ ભોજન પીરસે છે

સુરત
આ દંપતી અત્યાર સુધી ૨૫ હજાર જેટલા બાળકોને જમાડી ચૂક્યું છે. એટલું જ નહીં તેઓએ ૧૯ વૃધ્ધોને પણ દત્તક લીધા છે. જેમને પણ રાત્રે જમવાનું અપાય છે. પોષણ માટે શિરો, ચીકી, ફરસાણ વગેરે વાનગીઓ આપવામાં આવે છે.કોરોનાકાળ પછી મજુર વર્ગની પરિસ્થિતિ એવી બગડી છે કે તેમના પરિવારને બે સમય પૂરતું ખાવાનું પણ નસીબ નથી થતું. જેને લઈને સુરતમાં પેડ કપલ તરીકે ઓળખાતા મીના મહેતા અને અતુલ મહેતા દ્વારા રોજ કોરોના સમયથી આજદિન સુધી ગરીબ વર્ગના બાળકોને જમાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જે માટે મીનાબેન અને તેમના પતિ રોજ ૨૫૦ બાળકો માટે પોતાના હાથેથી જ ભોજન તૈયાર કરે છે. તેઓ સવાર સાંજ ૫ થી ૬ કલાકમાં જાતે જ જમવાનું બનાવીને ફૂડ પેકેટ તૈયાર કરે છે અને ગરીબો સુધી પહોંચાડે છે. આ એ જ દંપતી છે જે પછાત અને ગરીબ વર્ગની દીકરીઓ માટે સેનેટરી પેડ અને અંડર ગારમેન્ટ છેલ્લા ૮ વર્ષથી મફતમાં વહેંચે છે. તેઓએ આ દીકરીઓની વ્યથા ખુબ નજીકથી નિહાળી છે. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ આ સેવાકીય કાર્ય કરતા આવ્યા છે. પરંતુ કોરોનામાં તેઓએ જાેયું હતું કે જયારે આ મહામારીએ શહેરભરમાં ભરડો લીધો, ત્યારે લોકોના ધંધા રોજગાર બંધ થયા હતા. તેવામાં સૌથી કફોડી હાલત રસ્તા પર રખડતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોની થઇ છે. તેમને પોષણક્ષમ ખોરાક પણ મળી શકતો ન હતો. જેથી તેઓએ નીર્ધાર કર્યો કે આ બાળકોને તેઓ પોતાના હાથેથી બનાવેલું ભોજન ખવડાવશે. જેથી આ ઉંમરે પણ તેઓ સવારે વહેલા ઉઠીને કઠોળ, લીલા શાકભાજી તેમજ અન્ય પોષણયુક્ત આહારના ફૂડ પેકેટ તૈયાર કરે છે અને એક પણ દિવસ ભૂલ્યા વિના રોજના ૨૫૦ બાળકો સુધી તે પહોંચે તેવા પ્રયત્નો કરે છે. તેમનું કહેવું છે કે દરેક વ્યક્તિ ઘણું બધું તો નથી કરી શકતો, પણ તેનાથી જેટલું થાય એટલું તો તેણે કરવું જ જાેઈએ. ઈશ્વરના આશીર્વાદ સાથે આજે તેઓ પોતાનાથી થાય તેટલા પ્રયત્નોથી ગરીબ અને કુપોષણથી પીડાતા બાળકો સુધી આ ભોજન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

bhojan-250-badak-ne-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *